• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ચાબહારને નિશાન બનાવી અમેરિકાનો ભીષણ હુમલો

યુદ્ધવિરામ દફનઃ ઈરાને પણ અમેરિકાનાં હિતો ઉપર તાંકીને કર્યા પ્રહાર

નવી દિલ્હી, તા.9 અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ તકલાદી પુરવાર થયા બાદ હવે તણાવ અત્યંત ગંભીર તબક્કે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાન પર મોટાપાયે હુમલાઓ શરૂ કર્યા છે. જેમાં આજે અમેરિકાએ ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ચાબહાર બંદરને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કર્યો હતો. અમેરિકી સેનાએ આશરે 90 ઈરાની ઠેકાણાંનો નાશ કરવાનો દાવો કર્યો છે. બીજી તરફ, ઈરાને પણ જવાબી કાર્યવાહી કરતાં કુવૈત અને બહેરિનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર સતત બીજા દિવસે હુમલા કર્યા હોવાનું જણાવાયું છે.

ચાબહારમાં અનેક જોરદાર વિસ્ફોટ થયાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા મુજબ શહેરના અનેક વિસ્તારોમાં મોટા પાયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર તેમણે અનેક વિસ્ફોટોના અવાજો સાંભળ્યા હતા, ત્યારબાદ ઈમરજન્સી સેવા ટીમોને અસરગ્રસ્ત વિસ્તારો તરફ દોડી જતાં જોવામાં આવી હતી.

એપ્રિલમાં યુદ્ધવિરામ જાહેર થયા બાદ વ્યૂહાત્મક બંદર પર થયેલો પ્રથમ હુમલો હોવાનું કહેવાય છે. ઉપરાંત, ઈરાનના ગોલેસ્તાન પ્રાંતમાં આવેલા અક ટેકેહ ખાન રેલવે બ્રિજ પર પણ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છેઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલું ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક તેમજ આર્થિક, બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે ઈરાનનું એકમાત્ર ડીપ-વોટર બંદર છે, જ્યાંથી સીધી હિંદ મહાસાગર સુધી પહોંચ મળી રહે છે. ભારત માટે તેનું સૌથી મોટું મહત્ત્વ છે કે તે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન, રશિયા અને મધ્ય એશિયા સુધી વેપાર માટે ટૂંકો અને વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવે છે.

ચાબહાર બંદર દ્વારા ભારતને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર સુધી પહોંચ મળે છે, જે ભારતના યુરેશિયન કનેક્ટિવિટી વિઝનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ બંદર પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર 170 કિલોમીટર દૂર આવેલો છે, જેને ચીન વિકસાવી રહ્યું છે. તેથી અરબી સમુદ્ર અને ખાડી વિસ્તારમાં ચીનના વધતા પ્રભાવ સામે ચાબહાર ભારત માટે મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક જવાબ માનવામાં આવે છે.

અમેરિકી સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ કાર્યવાહી દરમિયાન એવા દરિયાઈ માળખાં અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા, જે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા વેપારી જહાજો માટે જોખમ ઊભું કરવામાં ઈરાનને મદદરૂપ બનતા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તાજેતરના હુમલાઓમાં આશરે 90 ઈરાની ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યા છે. અહેવાલો મુજબ હુમલામાં જહાજોના ઘાટ, સમુદ્રી ટ્રાફિક નિયંત્રણ ટાવર અને નજીકના સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, નાગરિક બંદર સુવિધાઓ અને મહત્ત્વપૂર્ણ ઊર્જા માળખાને નુકસાન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું અમેરિકાનો દાવો છે.

બીજી તરફ, ઈરાને પણ કુવૈત અને બહેરિનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી જવાબી હુમલા કર્યા હોવાનું જણાવાયું છે. કુવૈતની સેનાના જણાવ્યા મુજબ દેશની હવાઈ સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સક્રિય કરવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં સાયરન વગાડવામાં આવ્યા છે. દરમિયાન ઈરાનની સંસદના અધ્યક્ષ અને મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, અમેરિકા હજુ સુધી શીખ્યું નથી કે દાદાગીરી કરવી અને વચનો તોડવા હવે કોઈ કિંમત ચૂકવ્યા વિના શક્ય નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક