• શુક્રવાર, 10 જુલાઈ, 2026

અવૈધ બાંધકામ, અગ્નિકાંડ સહિતની દુર્ઘટના બિલ્ડરોની ધરપકડ થાય છે પણ અધિકારી સામે શું કાર્યવાહી ?

- સુપ્રીમ કોર્ટે અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરવાનું કહેતાં આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી

નવીદિલ્હી, તા.9 દેશભરમાં ગેરકાયદેસર બાંધકામ અને તેનાથી જોડાયેલા અકસ્માતોને સંદર્ભે સુપ્રીમ કોર્ટે આજે વરિષ્ઠ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. તાજેતરમાં દિલ્હી અને લખનઉ જેવાં શહેરોમાં બનેલી દુર્ઘટનાઓને ગંભીરતાથી ધ્યાનમાં લેતા સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, અકસ્માત પછી વહીવટીતંત્ર માત્ર દેખાવ માટે બિલ્ડરોની ધરપકડ કરે છે પરંતુ બેદરકારી દાખવનારા સરકારી અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. કોર્ટે આદેશ આપ્યો કે રજૂ થનારા અહેવાલમાં એવા વરિષ્ઠ અધિકારીઓનાં નામ પણ સામેલ કરવામાં આવે, જેઓ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છેસુપ્રીમ કોર્ટે દિલ્હી, ગુરુગ્રામ, લખનઉ, પટણા અને તમિલનાડુની નગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના અધિકારીઓનો ઉધડો લેતા કોર્ટમાં હાજર રહેવા અને ગેરકાયદેસર બાંધકામ સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે તેની વિગત રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની પીઠે સંબંધિત અધિકારીઓને આગામી 4 અૉગસ્ટે થનારી સુનાવણીમાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાની ચેતવણી આપી હતી. દિલ્હીના સાકેત વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના તેમજ માલવિયા નગર અને લખનઉના અલીગંજમાં લાગેલી ભીષણ આગની ઘટનાનો ઉલ્લેખ કરતાં કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આવા ગંભીર મામલાઓમાં માત્ર કાગળ પરની કાર્યવાહીથી કામ નહીં ચાલે. જો આગામી સુનાવણી સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા નહીં મળે, તો સંબંધિત સત્તાધિકારી અથવા કમિશનરને સીધા જવાબદાર ઠેરવવામાં આવશે. કોર્ટે વધુમાં અલ્ટીમેટમ આપ્યું કે જો તેના આદેશોનું પાલન નહીં થાય તો કમિશનરો અને અન્ય અધિકારીઓ સામે સ્વપ્રેરિત (સુઓ મોટો) અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક