• શુક્રવાર, 10 જુલાઈ, 2026

આજથી લોર્ડ્સમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર મહિલા ટેસ્ટ મેચનો પ્રારંભ

ઇજાને લીધે પ્રતિકા રાવલ બહાર : પ્રિયા પૂનિયાનો સમાવેશ

લંડન, તા.9 : ટી-20 વર્લ્ડ કપની નિરાશાને ભૂલીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શુક્રવારથી લંડનના ઐતિહાસિક લોડર્સ મેદાન પર ઇંગ્લેન્ડ વિરુદ્ધના એકમાત્ર ટેસ્ટ મેચમાં વિજયના મક્કમ ઇરાદા સાથે ઉતરશે. જો કે આ ટેસ્ટ મેચની ઠીક અગાઉ હરમનપ્રિત કૌરની ટીમને મોટો ફટકો પડયો છે. ઓપનિંગ બેટર પ્રતિકા રાવલ ઇજાને લીધે મેચની બહાર થઈ ગઈ છે. આથી તેના સ્થાને પ્રિયા પુનિયાનો ટીમમાં સમાવેશ કરાયો છે. પ્રિયા હજુ સુધી એક પણ ટેસ્ટ રમી નથી.

ભારતીય મહિલા ટીમ છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં પિન્ક બોલથી ડે/નાઇટ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં 29પ રને હાર મળી હતી. જો કે ઇંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમનો રેકોર્ડ સારો છે. ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય મહિલા ટીમ હજુ ટેસ્ટમાં હારી નથી. 9 મુકાબલામાંથી 2 મેચમાં જીત મેળવી છે અને 7 ડ્રો રહ્યા છે. ઓવરઓલ બન્ને ટીમ વચ્ચે 1પ ટેસ્ટ મેચ રમાયા છે. જેમાં ભારતને ત્રણમાં અને ઇંગ્લેન્ડ મહિલા ટીમને એકમાં જીત મળી છે. 11 મુકાબલા ડ્રો રહ્યા છે.

ઇંગ્લેન્ડ મહિલા ટીમની અનુભવી બેટર ટૈમી બ્યૂમોંટે લોર્ડસ ટેસ્ટ બાદ ઇન્ટરનેશનલ કેરિયરને વિરામ આપવાની ઘોષણા કરી છે.

લોર્ડ્સ પર પહેલીવાર મહિલા ટેસ્ટ મેચ રમાશે

લોર્ડ્સ મેદાન પર પહેલો પુરુષ ટેસ્ટ મેચ 1884માં રમાયો હતો. જે ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો. એ વાતને 142 વર્ષ થઈ ચૂક્યા છે. હવે પહેલીવાર લોર્ડસના ઐતિહાસિક મેદાન પર મહિલા ટેસ્ટ મેચ રમાશે અને ઇંગ્લેન્ડ-ભારત આમને-સામને હશે. 

ઇ-પેપરના નવા શુલ્ક