ઉના, તા.9 : વિદ્યાનું મંદિર ગણાતી શાળામાં જ શરમજનક ઘટના સામે આવતા શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મગાવ્યાની ફરિયાદથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે, જ્યારે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઉના
તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં ગત 20 જૂનના રોજ આચાર્યને શંકા જતાં શાળાના મુખ્ય દ્વાર
પાસે જ વિદ્યાર્થીને અટકાવ્યો હતો. અન્ય શિક્ષકોની હાજરીમાં તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ
કરતાં સગીરે કબૂલાત કરી હતી કે, શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામીએ તેને રૂ.500 આપીને
ગામમાંથી દારૂ લાવવા મોકલ્યો હતો. વિદ્યાર્થીના આક્ષેપ અનુસાર અગાઉ પણ અનેક વખત શિક્ષક
માટે દારૂ લાવી ચૂક્યો છે અને તેઓ શાળામાં જ તેનું સેવન કરતા હતા.
ઘટનાની
સંવેદનશીલતાને ધ્યાને રાખી આચાર્યએ તાત્કાલિક સ્ટાફની હાજરીમાં પંચરોજકામ તૈયાર કર્યું
હતું. વિદ્યાર્થી પાસેથી મળેલી દારૂની બોટલ અને બચેલા રૂ.230 સીલબંધ કરી શાળાના કબાટમાં
સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
આ સમગ્ર
ઘટના શાળામાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ છે. વિદ્યાના પવિત્ર ધામમાં સગીર વયના બાળકનો
આ પ્રકારે દુરુપયોગ થતો હોવાની વિગતો બહાર આવતાં જ સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે
રોષ જોવા મળી રહ્યો છે તેમજ કડક પગલાં લેવાની માગ ઉઠી છે.
બાળકની
કબૂલાત અને સીસીટીવી ફૂટેજ જેવા પ્રાથમિક પુરાવાઓના આધારે સ્થાનિક પોલીસમાં અરજી દાખલ
કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને
સોંપી દેવાયો છે. સંબંધિત શિક્ષક સામે ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આગામી
તા.13 જુલાઈના રોજ રૂબરૂ સુનાવણી રાખવામાં આવી છે.
શિક્ષક
સામે અગાઉ પણ શિક્ષાત્મક પગલાં લેવાયા છતાં વર્તણૂકમાં કોઈ સુધારો નહી
શિક્ષક
હરેશગીરી ગૌસ્વામી સામે અગાઉ પણ નશાની હાલતમાં શાળાએ આવવાના અને દારૂ પીવાની ટેવ હોવાના
આક્ષેપો થયેલા છે. અગાઉ ગત 4 માર્ચે પણ તેઓ નશાની હાલતમાં આવ્યા હોવાની લેખિત રજૂઆત
થઈ હતી. શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શિક્ષક સામે અગાઉ પણ દારૂના
સેવન બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા હોવા છતાં તેમની વર્તણૂકમાં કોઈ યોગ્ય સુધારો
આવ્યો ન હતો.