ખાડીપૂર મામલે CM આકરા પાણીએ: બેદરકારો સામે ફોજદારી પગલાંની ચેતવણી, તાત્કાલિક ખાડી કિનારાના ગેરકાયદે દબાણો તોડવા આદેશ
સુરત,
તા.9: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરત મુલાકાત દરમિયાન પૂરની સ્થિતિને લઈને
ધારાસભ્યો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ
સ્પષ્ટ સૂચના આપી કે જો કોઈ અધિકારી અથવા એજન્સીની બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી
કરવામાં આવશે. ખાડીપૂર અટકાવવા માટે રાજ્ય સરકારે રૂ. 500 કરોડની ફાળવણીની પણ જાહેરાત
કરી હતી.
હાલ
તો શહેરમાં આવેલા ખાડીપૂરને કારણે થયેલી ખાના ખરાબીને ભવિષ્યમાં અટકાવવા સરકારે કમર
કસી હોવાનું દેખાય રહ્યું છે. તાબડતોબ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત આવી પહોંચ્યા
છે. સુરતમાં તેમણે અધિકારીઓ સાથે બેઠકો યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. સ્થાનિક નેતાઓ
અને ધારાસભ્યો સાથેની બેઠકમાં તેઓની ફરિયાદો અને સૂચનાઓ પણ મુખ્યપ્રધાને સાંભળી હતી.
અધિકારીઓ નેતાઓને ગાંઠતા ન હોવાનું પણ ધારાસભ્યોએ મુખ્યપ્રધાનને કહ્યું હતું.
બીજી તરફ ખાડીપૂર મામલે તંત્રની બેદરકારી છતી થતાં
કોઇપણ પ્રકારની ઢીલાશ વિના ભૂપેન્દ્રભાઈએ કડક શબ્દોમાં ખાડીના ગેરકાયદે દબાણો તોડી
પાડવાની સૂચના આપી હતી. બેઠકમાં સુરતમાં આવેલા ખાડી પૂર પાછળ અધિકારીઓની પોલંપોલ અને
વહીવટની ચર્ચા શરૂ થતાં મુખ્યપ્રધાન ભારે ગુસ્સામાં આવી ગયા હતા. બે કલાક ચાલેલી બેઠકમાં
ખાડી વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ મામલે યુદ્ધના ધોરણે એકશન પ્લાન બનાવવાની તાકીદ
કરી હતી. તેમજ તાત્કાલિક ખાડી કિનારાના ગેરકાયદે દબાણો તોડવા મનપાને આદેશ કર્યો હતો.
તેમજ
જે રસ્તા તાજેતરમાં જ બન્યા છે તે તૂટી ગયા હોય કે બેસી ગયા હોય તો તેની તપાસ કરવાના
આદેશ પણ અપાયા છે. આ ઉપરાંત તાત્કાલિક પુરગ્રસ્ત વિસ્તારનો નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને
કેશડોલ ચૂકવવા માટે જિલ્લા અને મનપા સહિતના વહીવટીતંત્રને સૂચના આપી હોવાનું કહ્યું
હતું.
આડેધડ
વિકાસ નડયો : પૂરે સુરતના મુખ્ય વ્યવસાયોને ધમરોળી નાખ્યા
સુરત,
તા.9: બે દિવસ દરમિયાન ખાબકેલા 18 ઇંચથી વધુ વરસાદ અને આડેધડ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સને
કારણે સુરત આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વરસાદી પાણીના નિકાલનો યોગ્ય માર્ગ ન મળતાં
પૂરના પાણી કોમર્શિયલ ઇમારતો, દુકાનો અને સોસાયટીઓમાં ઘૂસી ગયા હતા. ચારેબાજુ આવેલી
ખાડીઓ પર તાણવામાં આવેલા પ્રોજેક્ટ્સના કારણે અટકેલા પાણીના પ્રવાહે વેપારીઓ અને
સ્થાનિક
રહીશોની કમર તોડી નાખી છે. સરથાણા જકાતનાકા, લિંબાયત અને પરવત પાટિયા જેવા વિસ્તારોમાં
કેડસમા પાણી ભરાતા અનાજ-કરિયાણાના વેપારીઓને અંદાજ બહારનું નુકસાન પહોંચ્યું છે.
શહેરમાં
આવેલા ખાડીપૂરનું અસલી કારણ વહીવટીતંત્ર હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ભ્રષ્ટ વહીવટીતંત્રને
ગત વર્ષે જ ખાડી પૂરના કાયમી ઉકેલ મામલે કાન આમળવામાં આવ્યા હતા. પરંતુ કોઈ નક્કર પગલાં
ન લેવાતાં આ વર્ષે સ્થિતિ જૈસેથે છે. હજુ પણ મીઠી અને સીમાડા ખાડીમાં પૂરનું જોખમ યથાવત્
છે.
પોદાર
આર્કેડમાં જ 200 કરોડના નુકસાનનો અંદાજ
શહેરમાં
આવેલા પૂરથી કરોડોનું નુકશાન વેપારીઓને પહોંચ્યું છે. વરાછા રોડના એકલા પોદાર આર્કેટમાં
જ બસ્સો દુકાનોમાં પાણી ઘૂસી જતાં 200 કરોડના નુકસાનનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. મોબાઈલ બાઝાર નામે દુકાન ધરાવતા સંદીપભાઈ ભંડેરી
કહે છે કે મોટાભાગની દુકાનોમાં રહેલા મોબાઇલ એસેસરીઝથી માંડીને બધી જ વસ્તુ પાણીમાં
ભીની થઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જે દુકાનદારો પાસે દુકાનનો વીમો છે તેઓને
રિફંડ મળશે પરંતુ નાની દુકાનો વાળા વેપારીઓ પાસે વીમો નથી તેઓને ભારે નુકસાન થયું છે.
સાયરસભાઈ દોટીવાલા કહે છે કે, અમારી દુકાનમાં પાણી ઘૂસી જતા દુકાનમાં રહેલુ તમામ ફર્નિચર,
ફ્રીઝો ઉપરાંત બિસ્કિટો સહિતનો ખાવાનો માલ પાણીમાં પલળી જતા લાખોનું નુકસાન પહોંચ્યું
છે.
કાપડમાર્કેટમાં
લાખો સાડીઓ પલળી ગઈ
ભારે
વરસાદ પડવાને લીધે રીંગરોડ સ્થિત કાપડ માર્કેટમાં જળભરાવની સ્થિતિ પેદા થઈ હતી. ફોસ્ટાના
ચેરમેન અને સેક્રેટરી સહિતના પદાધિકારીઓએ નુકશાનનો અંદાજ કાઢવા અશોક ટાવર, અભિષેક માર્કેટ,
શ્રી મહાવીર માર્કેટ, સાઈ દર્શન, સિલ્ક પ્લાઝા, અનમોલ માર્કેટ સહિત અંદાજે 10 થી
15 જેટલી માર્કેટની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને પગલે અનેક માર્કેટોના બેઝમેન્ટમાં
તેમજ કેટલાક સ્થળોએ ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. નુકશાનીનો વાસ્તવિક
આંક સરવે બાદ જ જાણી શકાશે હાલ તો લાખોની સંખ્યામાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ પાણીમાં
પલળી ગયા છે. ફોસ્ટાના સેક્રેટરી દિનેશભાઈ કટારિયા કહે છે કે, સારોલીની અનેક માર્કેટોમાં
તથા રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયા હોવાથી માર્કેટો આજે બીજા દિવસે પણ બંધ રહી હતી.
કાપડઉદ્યોગને
તાત્કાલિક વિશેષ પેકેજ મંજૂર કરો : ફોગવા
ફેડરેશન
ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે, ભારે વરસાદને
કારણે હજારો મીલો, પાવરલૂમ યુનિટો, પ્રોસેસીંગ એકમો, એમ્બ્રોઇડરીના ખાતાઓમાં મશીનરીઓ,
કાચામાલ, તૈયાર માલ અને ઇન્ફ્રાસ્ટ્રાક્ચરને મોટું નુકસાન થયું છે. ટેક્સટાઇલ ઉદ્યોગને
થયેલા કરોડોના નુકશાનનો તાત્કાલિક સર્વે કરાવી આર્થિક સહાય, સબસીડી, લોનમાં છૂટ સહિત
માટે પુન: નિર્માણ માટે વિશેષ પેકેજ મંજૂર કરવાની માગ છે.