• શુક્રવાર, 10 જુલાઈ, 2026

વેરાવળમાં જુગાર કલબ પર દરોડા, ટોળું બેકાબૂ થતાં પોલીસનું ફાયરિંગ

કોળીવાળા વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા દરમિયાન હંગામો, પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ

નાસી છુટેલા 34 જુગારી સામે તેમજ ફરજમાં રુકાવટ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ 200 લોકોના ટોળા સામે ગુનો દાખલ

 

વેરાવળ તા.9 : સંવેદનશીલ શહેર એવા જિલ્લા મથક વેરાવળના કોળીવાળા વિસ્તારમાં ચાલતી જુગારની કલબ ઉપર મંગળવારે મોડી સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલે ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડયાં ત્યારે હંગામો સર્જાયો હતો. સ્થળ ઉપર લોકોના ટોળા એકઠા થઈ જતાં અને પરિસ્થિતિ તંગ બનતા એસએમસીના પીઆઈ જે.એચ.સિસોદિયાને કાયદો-વ્યવસ્થા કાબુમાં રાખવા હવામાં બે રાઉન્ડ ફાયારિંગ કરવું પડયું હતું. જેના પગલે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાક્રમની પ્રાપ્ત વિગતો અનુસાર એસએમસીની ટીમ અત્રેના કોળીવાળા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડવા પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયાં હતાં અને પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ તંગ બનતા અને ટોળુ બેકાબુ થવાની સ્થિતિ સર્જાતા પીઆઈ જે.એચ. સીસોદિયાએ આત્મરક્ષા તેમજ ભીડને વિખેરવા માટે હવામાં બે રાઉન્ડ ફાયારિંગ કર્યું હતું.

ફાયારિંગના અવાજથી સમગ્ર કોળીવાળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. તો બીજી તરફ વેરાવળ શહેર પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા બાદ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થિતિને કાબુમાં લીધી હતી. જો કે, જુગારમાં સંડોવાયેલા કેટલાક શખસો સ્થળ પરથી નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. ઘટનામાં કોઈને ઇજા પહોંચી હોવાની સત્તાવાર માહિતી હજુ સુધી બહાર આવી નથી.

સમગ્ર ઘટનામાં પોલીસે બે ગુના નોંધ્યાં છે જેમાં પ્રથમ ગુનો 34 જુગારી સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોધ્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 26,500 ની રોકડ, 6 મોબાઈલ મળી કુલ 56,500નો મુદામાલ જપ્ત કરી નાસી ગયેલા તમામ જુગારીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે બીજા ગુનામાં 40 લોકોના નામજોગ સહિત 200 જેટલા સ્ત્રી-પુરૂષોના ટોળા સામે ફરજમાં રૂકાવટ, રાયોટીંગ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 માસમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વેરાવળ, તાલાળા, ગીરગઢડા અને ઉનામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને 7 જેટલા દરોડા પાડયાં છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક