• ગુરુવાર, 25 જૂન, 2026

સલાયાથી પ્રતિબંધિત નશીલી દવાઓ યમન મોકલવાનું રેકેટ ઝડપાયું

પોલીસે રૂ. 80.77 લાખનો જથ્થો જપ્ત કરી મુંબઈ અને દુબઈના આરોપીની તપાસ હાથ ધરી

સલાયા, ખંભાળિયા, તા.24: ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામની સીમમાંથી રૂ. 80.77 લાખની કિંમતનો પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો છે. રોઝી માતાજીના મંદિર પાસે પોલીસે દરોડો પાડીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ જથ્થો મુંબઈથી ટ્રેન મારફતે ખંભાળિયા લાવી, ત્યાંથી છોટા હાથી મારફતે સલાયા પહોંચાડવાનો હતો, જ્યાંથી દરિયાઈ માર્ગે તેને ગેરકાયદે યમન દેશમાં મોકલવાનું સુનિયોજિત આયોજન હતું.

     વધુ વિગત મુજબ જાણવા મળ્યું હતુકે ઝડપાયેલો જથ્થો ‘પ્રેગાબાલિન’ નામની કેપ્સ્યુલ્સનો છે, જે સામાન્ય રીતે ચેતાના ગંભીર દુખાવા માટે ડોક્ટરની કડક દેખરેખ હેઠળ વાપરવામાં આવે છે. જો કે, આ દવાની 3થી 4 કેપ્સ્યુલ એકસાથે લેવાથી તીવ્ર નશો થતો હોવાના કારણે જાન્યુઆરી 2026થી સરકાર દ્વારા તેના પર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. નશાના કારોબાર માટે લાયસન્સ વગર જ અલગ-અલગ કંપનીઓ પાસેથી મેળવેલી અંદાજે 9,50,490 જેટલી કેપ્સ્યુલ્સ વિદેશ મોકલવા માટે છુપાવવામાં આવી હતી, જે પોલીસે સમયસૂચકતા વાપરીને પકડી પાડી છે.  આ સમગ્ર કૌભાંડમાં ‘વી પ્રોટેક્ટ’ કંપની અને ખંભાળિયાના રાજદેવાસિંહ ભોજુભા સોઢાના નામે બોગસ બાલિંગ કરીને બિલમાં દર્શાવેલી માત્રા કરતાં ઘણો વધારે જથ્થો મોકલાતો હોવાનું ખુલ્યું છે. એસ.ઓ.જી.ની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે મુંબઈના અબ્દુલ મોઇન શેખ, દુબઈ રહેતા સલાયાના ઇકબાલ કરીમ ભાયા, યમનના હારીત, પુનાના મહંમદ અઝરુદ્દિન અને ખંભાળિયાના રાજદેવાસિંહ સોઢા સહિતના શખસો સામે ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને એસ.ઓ.જી. પી.આઈ. વિક્રમાસિંહ રાણા દ્વારા આ આંતરરાષ્ટ્રીય રેકેટના મૂળ સુધી પહોંચવા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક