• ગુરુવાર, 25 જૂન, 2026

ગુજરાતમાં ચોમાસાના ‘શ્રી ગણેશ’

દક્ષિણ ગુજરાતના દરવાજેથી ચોમાસું પ્રવેશ્યું, 6 વર્ષમાં બીજી વાર ચોમાસું 1 સપ્તાહ મોડું

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના

28 જૂને બંગાળની ખાડીમાં સર્જાનારી નવી સિસ્ટમ આખા રાજ્યને ઘમરોળશે

રાજકોટ, અમદાવાદ, તા.24 અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ગયેલા ગુજરાત માટે આખરે રાહતના અને મોટા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના દરવાજેથી રાજ્યમાં ચોમાસાના વિધિવત્ પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મેઘરાજાના આગમનની સાથે જ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય સમય કરતાં આશરે એક સપ્તાહ જેટલું મોડું પડયું છે, પરંતુ હવે મેઘરાજા તેની કસર પૂરી કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર, આગામી દિવસોમાં માત્ર વરસાદ જ નહીં, પણ કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે આફતરૂપી ભારે વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી શક્યતા છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ પ્રવેશની જાહેરાત કરી છે. ચોમાસાની શરૂઆત સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં પ્રાપ્ત આંકડાઓ અનુસાર રાજ્યમાં નોંધપાત્ર કહી શકાય તેમાં નર્મદાના સાગબારામાં સૌથી વધુ 3.35 ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ડાંગના સુબીરમાં 2.13, ડાંગમાં 1.81 ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે મહત્તમ તાપમાન પર નજર કરતા જણાય છે કે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 40.4, રાજકોટમાં 39.6, અમરેલીમાં 38.1, બરોડામાં 38.8, ભુજમાં 37.0, ગાંધીનગરમાં 38.8, કંડલામાં 37.7 તેમજ સુરતમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

6 વર્ષમાં બીજી વાર મોડું બેઠું ચોમાસું

સામાન્ય રીતે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની તારીખ 15 જૂન ગણાય છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોની સરખામણી કરીએ તો આ વર્ષે ચોમાસું થોડું મોડું પડયું છે. ચાલુ વર્ષે ચોમાસું આશરે એક સપ્તાહ જેટલું મોડું શરૂ થયું છે. વર્ષ 2025મા 16મી જૂને ચોમાસું બેસી ગયું હતું. તો વર્ષ 2024મા સામાન્ય સમય કરતાં 3 દિવસ વહેલા એટલે કે 12મી જૂને જ મેઘરાજા પધારી ગયા હતા અને વર્ષ 2023મા 25 જૂને ચોમાસાનું આગમન થયું હતું.

28-29 જૂને નવી સિસ્ટમ સક્રિય થશે: નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર

હવામાન નિષ્ણાતોના મતે આગામી 28 અથવા 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક શક્તિશાળી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમને કારણે પૂર્વ ભારત તરફથી ભેજયુક્ત પવનો તેજીથી ગુજરાત તરફ આગળ વધશે, જેને લીધે ચોમાસું વધુ આક્રમક બનશે. લો-પ્રેશરની સૌથી વ્યાપક અસર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. અહીં ભારેથી અતિભારે વરસાદની આશંકાને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. અમરેલી અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં મોટો વધારો થશે. વડોદરા અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. લોકલ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડશે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી વરસાદની ગતિ ધીમી રહી છે, પરંતુ 24 જૂન બાદ અહીં પણ ચોમાસું જોર પકડશે અને મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં સારો વરસાદ જોવા મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક