• ગુરુવાર, 25 જૂન, 2026

અમરેલીમાં પૈસાની લેતી દેતીમાં ભાઈએ ભાઈનું ઢીમ ઢાળ્યું

સિવિલ હોસ્પિટલ નજીક મંગળવારની મોડી રાત્રે ઘટી ઘટના 

અમરેલી,તા.24:અમરેલીની સિવિલ હોસ્પિટલ અને એસ.ટી. ડેપો નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં ગઈકાલે મોડી રાત્રે પૈસાની બાબતે દાદી સાથે પૌત્ર માથાકૂટ કરતો હોય જેથી આરોપીનો સગો મોટો ભાઇ વચ્ચે પડતા તેમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર વળાંક લીધો હતો. અને સગા નાનાભાઈએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પોતાના મોટાભાઈની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આરોપીને નાસી છૂટે તે પહેલાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીની સિવિલ હોસ્પિટલ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મનોજ મુકેશભાઈ વણોદિયાની તેમના સગા નાનાભાઈ મયુર મુકેશભાઈ વણોદિયા દ્વારા હત્યા કરવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ આરોપી મયુર મુકેશભાઈ વણોદિયા પોતાની દાદી સાથે પૈસાની બાબતે બોલાચાલી કરતો હતો. તે આરોપીનો મોટોભાઈ મનોજ વણોદિયા વચ્ચે પડી પોતાના ભાઇને સમજાવવા જતા દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી મયુર વણોદિયાએ ઉશ્કેરાઈ જઈ તિક્ષ્ણ હથિયાર વડે પોતાના મોટાભાઈ મનોજ વણોદિયા પર હુમલો કર્યો હતો. હુમલામાં મનોજને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

હત્યાની ઘટનાની જાણ થતાં અમરેલી શહેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવ બાદ આરોપી નાસી છૂટવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક