• મંગળવાર, 23 જૂન, 2026

વઘાસિયા ટોલનાકે સ્થાનિક ગ્રામજનો પાસેથી ટોલ વસૂલાત મુદ્દે ચક્કાજામ

રાત્રીના હાઇવે અડધો કલાક બંધ રહ્યો; પોલીસની દરમિયાનગીરીથી સ્થિતિ નિયંત્રણમાં આવી

વારંવાર રજૂઆતો છતાં કોઈ સ્પષ્ટ ઉકેલ ન મળતા અસંતોષ વધ્યો

વાકાનેર,તા.21 : વાંકાનેર-કચ્છ નેશનલ હાઇવે પર આવેલા વઘાસિયા ટોલનાકે ગઈકાલે મોડી રાત્રે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલા સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાતના મુદ્દે અસંતોષ ફરી ભભૂકી ઉઠયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો ટોલનાકે એકત્ર થયા અને ચક્કાજામ કરતાં હાઇવે પર વાહન વ્યવહાર અચાનક ઠપ થઈ ગયો હતો. લગભગ અડધો કલાકથી વધુ સમય સુધી બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરો અને માલ વાહક પરિવહનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પ્રદર્શનકારીઓએ માગ કરી હતી કે વાંકાનેર ટોલ બાઉન્ડ્રીથી 20 કિ.મી.ની અંદર આવતા ગામોના સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાત બંધ કરવી જોઈએ. આ મુદ્દે વારંવાર રજૂઆતો છતાં કોઈ સ્પષ્ટ ઉકેલ ન મળતા અસંતોષ વધતો ગયો છે. સ્થાનિક નાગરિકો પર ટોલનો ભાર અન્યાયપૂર્ણ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. પોલીસે ગ્રામજનો અને ટોલનાકા સત્તાધીશો વચ્ચે સમજાવટ કરી અને સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અંતે ધીમે ધીમે પરિસ્થિતિ શાંત થઈ અને હાઇવે પર વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો. સ્થાનિક લોકો અને ટોલ સંચાલકો વચ્ચેનો આ વિવાદ નવો નથી. ટોલ વસૂલાત અંગે સ્પષ્ટ નીતિ, સ્થાનિકોને છૂટછાટ અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાની અછતને કારણે સમયાંતરે આવા તણાવ સર્જાય છે. તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક