• રવિવાર, 21 જૂન, 2026

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં દરિયાકાંઠે એલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.20 : ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રિજનની આસપાસ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સાથે જ તેલંગાણા તરફથી એક ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે. આ બન્ને સિસ્ટમની સંયુક્ત અસરના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે અને મેઘરાજાની એન્ટ્રી થશે.

 21 જૂનથી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે, જે લાંબા સમયથી ગરમી સહન કરી રહેલા લોકોને મોટી રાહત આપશે.

હવામાનમાં આવેલા આ મોટા ફેરફારને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ભારે વધવાની આશંકા છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે તેમ હોવાથી હવામાન વિભાગે સાવચેતીનાં પગલારૂપે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે કડક સૂચના અને એલર્ટ જાહેર કર્યું છે.

હાલમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાન 36થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે લોકોને હજુ થોડા દિવસ ભારે અકળામણ અને ઉકળાટનો અનુભવ થઈ શકે છે પરંતુ ટૂંક સમયમાં જ વરસાદી માહોલ ગરમીથી છૂટકારો અપાવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક