શ્રેણીના અંતિમ વનડેમાં યશસ્વી જયસ્વાલની સદી, પ્રસિદ્ધ કૃષ્ણાની પાંચ વિકેટ
અફઘાનના
219ના લક્ષ્યને 28.4 ઓવરમાં પાર પાડયું
નવી
દિલ્હી, તા. 20 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે શ્રેણીનો અંતિમ મુકાબલો શનિવારે
ચેપોકનાં સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું.
ભારતને જીત માટે 219 રનનું લક્ષ્ય મળ્યું હતું, જેને 28.4 ઓવરમાં જ પાર પાડયું હતું.
આ જીત સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં અફઘાનિસ્તાનનાં સૂપડાં સાફ કર્યાં હતાં. ચેપોક વન ડેમાં ભારતની
જીતમાં યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાની ભૂમિકા મહત્ત્વની રહી હતી.
પ્રસિદ્ધ કૃષ્ણાએ પાંચ વિકેટ લીધી હતી જ્યારે યશસ્વીએ વનડે કારકિર્દીની બીજી સદી કરી
હતી. રોહિત શર્માએ પણ 79 રનનું યોગદાન આપ્યું હતું.
રનચેઝમાં
ભારતીય ટીમને યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ જબરદસ્ત શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે
પહેલી વિકેટ માટે 165 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન રોહિત શર્માએ કારકિર્દીની
62મી અર્ધસદી કરી હતી. રોહિતે નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 69 બોલમાં 79 રન કર્યા
હતા. રોહિત આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરે અફઘાન ટીમને કોઈ તક આપી નહોતી.
જયસ્વાલે 86 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી નોટઆઉટ 110 રન કર્યા હતા જ્યારે
શ્રેયસે 19 બોલમાં બે છગ્ગાની મદદથી 20 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
આ અગાઉ
અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 44.2 ઓવરમાં 218 રન કર્યા હતા. ટીમની
શરૂઆત સારી રહી નહોતી અને બીજી જ વિકેટમાં રહમાનુલ્લાહ ગુરબાઝ પ્રસિદ્ધનો શિકાર બન્યો
હોત. બાદમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ રહમત શાહ, ઈબ્રાહિમ જાદરાન અને દરવિશ રસૂલીને પણ પેવેલિયન
મોકલી દીધા હતા. અહિંયાથી શાહિદી અને ઉમરજઈએ પાંચમી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી
હતી. શાહિદીએ 131 બોલમાં 102 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી જ્યારે ઉમરઝઈએ અર્ધસદી કરી
હતી. આ ઉપરાંત કોઈપણ બેટ્સમેન નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો નહોતો. ભારત તરફથી પ્રસિદ્ધ
કૃષ્ણાએ પાંચ વિકેટ લીધી હતી જ્યારે ગુરનુર બરાર, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેને એક
એક વિકેટ મળી હતી.