માણસામાં રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે, વડાપ્રધાન મોદી કોલકાતાથી દેશવાસીઓને કરશે સંબોધન
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.20
: 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે
આવેલી શેઠ એલ.એસ. સાયન્સ કોલેજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે.
આ પ્રસંગે 4 હજારથી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાઈ યોગનો સંદેશ જનજન સુધી
પહોંચાડશે.
આ વર્ષે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ પર ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદી કોલકાતાથી રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ભાગ લેશે અને દેશવાસીઓને સંબોધન કરશે.
તેમના પ્રેરણાદાયી સંદેશનું જીવંત પ્રસારણ રાજ્યભરના યોગ કાર્યક્રમોમાં કરવામાં આવશે.
યોગ
દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓ,
33 જિલ્લાઓના તમામ તાલુકા મથકો, નગરપાલિકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક યોગાભ્યાસના
વિશાળ કાર્યક્રમો યોજાશે. અંદાજે એક કરોડથી વધુ નાગરિકો આ કાર્યક્રમોમાં સહભાગી બની
સ્વસ્થ જીવનશૈલીનો સંકલ્પ લેશે.
રાજ્ય
સરકાર દ્વારા આયોજનને સફળ બનાવવા માટે તમામ જિલ્લાઓમાં કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો
તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી વિશેષ સમિતિઓ કાર્યરત કરવામાં આવી છે. યોગ પ્રત્યે
જનજાગૃતિ વધે અને વધુમાં વધુ લોકો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવે તે હેતુથી રાજ્યભરમાં
વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.