• મંગળવાર, 23 જૂન, 2026

ઝેરોક્ષની દુકાનમાં છાપવા લાગ્યા 500 રૂપિયાની નકલી ચલણી નોટ

5ાટણમાં 492 નકલી નોટ સાથે એક સગીર સહિત બે પકડાયા, ત્રણની શોધખોળ

રાજકોટ, તા. 21: પાટણ જિલ્લાના દેલમાલ ગામમાં ’શિવાય ઇન્ફોટેક’ નામની ઝેરોક્ષની દુકાનની આડમાં 500 રૂપિયાની બનાવટી નોટો છાપી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાની કુલ 492 નકલી નોટો, પ્રિન્ટિગ માટે વપરાતા સાધનો અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

 એલસીબીની ટીમે ચાણસ્મા પોલીસ અને એફએસએલ અધિકારીઓની હાજરીમાં દેલમાલ ગામે આવેલી ઝેરોક્ષની દુકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાં કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે સ્થળ પરથી 492 બનાવટી નોટો ઉપરાંત પ્રિન્ટર, કોમ્પ્યુટર, શાહી, અ4 સાઇઝના કાગળ, પ્રિન્ટ કરેલા શીટ, કાતર, મોબાઇલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ અંદાજે રૂ. 1.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં પોલીસે દેલમાલ ગામના નિકુલજી હમીરજી ઠાકોર તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં ધીરજ ચૌહાણ (મૂળ બનાસકાંઠા, હાલ દિલ્હી), કૈલાશ (મૂળ રાજસ્થાન, હાલ દિલ્હી) અને પપ્પુ ઠાકોર (રહે. મંડલોપ, તા. ચાણસ્મા) નામના ત્રણ આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે. હાલ તેઓ ફરાર હોવાથી તેમની ધરપકડ માટે વિવિધ ટીમો કામે લાગી છે.

પોલીસ હવે આ નકલી ચલણી નોટોનું રેકેટ કેટલા સમયથી કાર્યરત હતું, અત્યાર સુધી કેટલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી હતી અને તેમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં વિસ્તૃત તપાસ કરી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક