• સોમવાર, 22 જૂન, 2026

હોર્મુઝ બંધ થશે તો તબાહી શરૂ થશે : ટ્રમ્પ

ટ્રમ્પની ઈરાનને ધમકી: લેબેનોનમાં પ્રોક્સી વોર બંધ નહીં કરે તો અમેરિકા હોર્મુઝ કબજે લઈને ટોલ વસૂલશે

ઈરાન સાથે જેડી વેન્સ અને અમેરિકી પ્રતિનિધિ મંડળની સ્વિત્ઝરલેન્ડમાં બેઠક મળી : પાકિસ્તાની પીએમ શરીફ અને આસિમ મુનીરના પણ ધામા

નવી દિલ્હી, તા. 21 : અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી પછી તનાવ ઘટાડવા માટે વાટાઘાટોનો દોર શરૂ છે ત્યારે જ ફરી એકવાર શાંતિ સમજૂતી બટકણી પુરવાર થાય તેવી આશંકા મજબૂત બનાવતી ધમકીઓનો સિલસિલો પણ ચાલુ થઈ ગયો છે. એકબાજુ લેબનોનમાં ઈઝરાયલનાં હુમલા પછી ઈરાને ફરીથી હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે તો બીજીબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આવી ભૂલ બીજીવાર નહીં કરવાં ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો હોર્મુઝ બંધ થશે તો ફરીથી હુમલા ચાલુ થશે અને તબાહી મચાવી દેવામાં આવશે. આટલું જ નહીં ટ્રમ્પે ઈરાનને લેબેનોનમાં હિઝબુલ્લાહને હાથો બનાવીને પરોક્ષ લડાઈ રોકવાની પણ ચિમકી આપી હતી અને કહ્યું હતું કે, જરૂર પડયે અમેરિકા હોર્મુઝનું નિયંત્રણ લઈને ટોલ પણ વસૂલી શકે છે.

સમજૂતિ નક્કી થયા બાદ પહેલી વખત બન્ને દેશ વચ્ચે આમનેસામને વાતચીત થઈ હતી. ઈરાનની ટીમ અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેના સાથીદારો પણ સ્વિત્ઝરલેન્ડ પહોંચ્યા હતા અને બેઠક કરી હતી. આ અગાઉ લેબનોનમાં ઈઝરાયલના હુમલાનાં કારણે શાંતિ વાર્તા ટાળવામાં આવી હતી. જાણકારોના કહેવા પ્રમાણે અમેરિકા ઈચ્છે છે કે પહેલા તબક્કાની વાતચીતમાં ઈરાનમાં પરમાણુ સ્થળના નિરીક્ષણનો મુદ્દો ઉકેલવામાં આવે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન અમેરિકી પ્રતિનિધિઓને એવા સ્થળે જવાની મંજૂરી આપે જ્યાં અમેરિકાએ બોમ્બમારો કર્યો હતો. તેના બદલામાં અમેરિકા ઈરાનનું છ અબજ ડોલરનું ફંડ રિલીઝ કરશે. અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલમાં વાતચીત માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો કે આ શાંતિવાર્તા ઉપર ઈઝરાયલ જોખમી બની રહ્યું છે. ઈઝરાયલ કહી ચૂક્યું છે કે તે ડીલને માન્યતા આપતું નથી અને પોતાની સુરક્ષા માટે સ્વતંત્ર રીતે કાર્યવાહી કરી શકે છે. ઈઝરાયલે વાતચીત પહેલા લેબનોન ઉપર ફરીથી હુમલો પણ કર્યો હતો. જેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.

રવિવારે આયોજિત બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસીમ મુનિર પણ પોતાનાં પ્રતિનિધિમંડળ સાથે પહોંચી ગયા હતા. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોઈ ટોલ વસૂલવામાં ન આવે. આ સાથે એમ પણ કહ્યું હતું કે જો ઈરાન સાથેની વાતચીતનું કોઈ પરિણામ નહીં આવે તો અમેરિકા રણનીતિક જળમાર્ગે પોતાનો ટોલ લાગુ કરશે.

ત્રણ ભારતીય ટેન્કરે હોર્મુઝ પાર કર્યું

નવી દિલ્હી, તા. 21 : ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા કરાર બાદ 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ કાર્ગો વહન કરતા ત્રણ ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કરો હોર્મુઝની ખાડીમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ભારતીય બંદરો તરફ આગળ વધી રહ્યા હોવાની વિગતો કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આપી હતી. એક મીડિયા હેવાલ મુજબ, સર્બાનંદ સોનોવાલે દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે સરકારના સંકલિત પ્રયાસો પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, સલામત માર્ગ સુરક્ષિત! 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ કાર્ગો વહન કરતા અને 94 ભારતીય ક્રૂ સભ્યો દ્વારા સંચાલિત ત્રણ ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કર - ‘દેશ વૈભવ’, ‘દેશ વિભોર’ અને ‘સનમાર હેરાલ્ડ’ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા અને ભારત તરફ પ્રયાણ કરી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ જહાજો 24 જૂનથી 1 જુલાઈ દરમિયાન ભારતીય બંદરો પર પહોંચવાની અપેક્ષા છે, જે ભારતના ઊર્જા ક્ષેત્ર માટે એક મહત્ત્વપૂર્ણ સપ્લાય-ચેઇન ઓપરેશન તરીકે જોવાઈ રહ્યું છે. ‘દેશ વૈભવ’ 24 જૂને વાડીનાર બંદરે પહોંચવાની અપેક્ષા છે, જ્યારે ‘દેશ વિભોર’ તે જ દિવસે સિક્કા બંદરે પહોંચે તેવી શક્યતા છે, તો ત્રીજું જહાજ ‘સનમાર હેરાલ્ડ’ 1 જુલાઈએ પારાદીપ બંદરે પહોંચશે.

આ ટેન્કરોની સલામત અવરજવર ભારત માટે અવિરત દરિયાઈ ઊર્જા માર્ગોના મહત્ત્વ પર ભાર મૂકે છે. કારણ કે દેશ આયાતી ક્રૂડ ઓઇલ પર સતત ભારે નિર્ભર રહે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પસાર થતી વખતે જહાજો અને તેમના ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન ચાલુ છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક