• સોમવાર, 22 જૂન, 2026

અગ્રય, દુનાગિરી અને સંશોધક : નૌકાદળને મળ્યા ત્રણ નવા જહાજ

પીએમ મોદીએ કહ્યું, કોઈપણ દેશને મોટી તાકાત બનવા સમુદ્રી ક્ષમતાની જરૂર

નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ ઉપરથી સ્વદેશ નિર્મિત ત્રણ જહાજને નૌકાદળમાં સામેલ કર્યા હતા. આ ભારતની વધતી સમુદ્રી તાકાત અને રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રયાસોની દિશામાં મહત્વનું કદમ છે. ત્રણેય જહાજ યુદ્ધ, સર્વેક્ષણ અને સબમરીન વિરોધી અભિયાનોમાં નૌકાદળની ક્ષમતાઓને મજબૂત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. જે ત્રણ જહાજ સેનામાં સામેલ થયા તેના નામ સ્ટિલ્થ ફ્રિગેટ દુનાગિરી, સર્વેક્ષણ જહાજ સંશોધક અને એન્ટી સબમરીન વોર ક્રાફ્ટ અગ્રય છે.

પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, સમુદ્રી ક્ષમતા વિના કોઈપણ દેશ મોટી તાકાત ન બની શકે તેની દુનિયા સાક્ષી છે. આજે પુરી દુનિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરી રહી છે અને આ સમયે બંગાળની ધરતી ઉપર આવવાની તક મળી તેનાથી ખુશી થઈ રહી છે, આ ધરતી ઉપર આત્મનિર્ભર ભારત, સુરક્ષિત ભારત અને વિકસિત ભારત સંબંધિત મહત્વનો કાર્યક્રમ થઈ રહ્યો હોવાથી ખુશી થઈ હોવાનું પીએમ મોદીએ કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, 21 જુને વિશ્વ હાઈડ્રોગ્રાફી દિવસ પણ ઉજવવામાં આવે છે અને આ એક અદ્ભુત સંયોગ છે કે આવા દિવસે જ ભારતના સૌથી આધુનિક હાઈડ્રોગ્રાફી જહાજ આઈએનએસ સંશોધકને કમીશન કરવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક