• મંગળવાર, 23 જૂન, 2026

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં નીટ કસોટી સંપન્ન

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યના 211 પરીક્ષા કેન્દ્રો પર 78,800થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગત વર્ષની તુલનાએ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ, મેરિટ ઊંચું જવાની સંભાવના

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.21:  ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની રાષ્ટ્રીય કક્ષાની પાત્રતા પરીક્ષા નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ગુજરાત ભરમાંથી 78,800થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

 બપોરે 1.30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિગ કરી તેમને પ્રવેશ અપાયો હતો. ત્યાર બાદ બે વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને સાંજે પાંચ વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી. આ વખતે સૌપ્રથમ વખત પરીક્ષામાં 15 મિનિટનો વધુ સમય અપાતા સવા ત્રણ કલાક પરીક્ષા ચાલી હતી. નીટ હેમખેમ સંપન્ન થતા રાજ્યના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

 ગત વખતની તુલનાએ આ વખતે પરીક્ષાનું પેપર પ્રમાણમાં સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ખુશખુશાલ ચહેરા સાથે કેન્દ્રમાંથી બહાર આવી રહ્યા હતા. તેમના મતે બાયોલોજીના પ્રશ્નો બિલકુલ અઘરા પૂછવામાં આવ્યા ન હતા. ગત નીટ પરીક્ષામાં પેપર લીક થવાથી ઊંચું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ બીજી વખત પરીક્ષા આપીને કોઈ જ પસ્તાવો નહીં થયાનું સ્વીકાર્યું હતું. નીટ યુજીનું પેપર સરળ રહેતા મેરિટ ઊંચું જવાની શક્યતા છે. 

ગત ઘટનામાંથી પાઠ ભણીને આ વખતે પરીક્ષા પ્રક્રિયાને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યંત ચુસ્ત અને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. નીટના આયોજન માટે આઈજીપી કાયદો અને વ્યવસ્થાના મકરંદ ચૌહાણને નોડલ ઓફિસર નિયુક્ત કરાયા હતા. ગુજરાતમાં રી-નીટ માટે નોંધાયેલા 79,190 વિદ્યાર્થીઓ પૈકી 78,800થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 300 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું જણાયું હતું.

  અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિતના રાજ્યના 31 શહેરોમાં 211 કેન્દ્ર ખાતે નીટ કસોટી યોજાઈ હતી. અમદાવાદમાં કુલ 23 પરીક્ષા કેન્દ્રો હતા જેમાં 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર હતા. સુરતમાં 22 કેન્દ્રો ખાતે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ હતા. પરીક્ષા અગાઉ પ્રશ્નપત્ર લીક ના થાય તેનું કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. રાજ્યભરમાં સ્થાનિક પોલીસ ઉપરાંત સીઆઈએસએફના જવાનોને પણ તૈનાત કરાયા હતા. દરેક પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર નિરીક્ષણ માટે હાજર રહ્યા હતા.

એનટીએએ પરીક્ષાના બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓને બાયોમેટ્રિકને લઈને રાહત આપી હતી. કોઈ વિદ્યાર્થીને બાયોમેટ્રિકમાં સમસ્યા થાય તો અંડરટાકિંગ ફોર્મ ભરીને પણ પરીક્ષામાં બેસવાની છૂટ અપાઈ હતી. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર બસ, રેલવે કે પોતાના વાહનો દ્વારા પહોંચ્યા હતા. સમયસર અને અવરોધ વગર વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે  તેમાટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ વિભાગ, કેન્દ્ર સરકાર, એનટીએ, પોલીસ તથા અન્ય સંલગ્ન એજન્સીઓ દ્વારા સંકલન કરી પરીક્ષાનું આયોજન કરાયું હતું. 

અમદાવાદમાં પરીક્ષા કેન્દ્ર પર હિજાબને છૂટ પરંતુ કંઠી, દોરા કઢાવતા હિન્દુ સંગઠનોનો વિરોધ, 3ની અટક

અમદાવાદમાં આર જે ટિબ્રેવાલ કોલેજ ખાતેના કેન્દ્ર પર કેટલાક હિન્દુ સંગઠનોએ ધાર્મિક બાબતને લઈને વિરોધ કર્યો હતો. કડક સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાઈ રહ્યો હતો. ગાઈડલાઈન મુજબ જ કામગીરી હાથ ધરાઈ હતી. જો કે અમદાવાદના એક કેન્દ્ર પર વાલીઓના જણાવ્યા મુજબ કેટલાક વિદ્યાર્થીઓના ગળામાં રહેલી કંઠી, માળા અને હાથમાં રહેલા દોરા બહાર કઢાવવામાં આવ્યા હતા. જ્યારે બીજીતરફ કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે મંજૂરી આપવામાં આવતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલાની જાણ હિન્દુ સંગઠનો અને વીએચપીને કરાતા પરીક્ષામાં ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે હોબાળો થયો હતો. એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો. જો કે કેટલાક તત્વો ઉગ્ર બનતા ત્રણની અટક કરવામાં આવી હતી.

જૂનાગઢમાં નીટની પરીક્ષામાં 10% ગેરહાજર

જૂનાગઢ : જૂનાગઢમાં આજે મેડિકલમાં પ્રવેશ માટે રી નીટની પરીક્ષા કડક બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. તેમાં 10% પરીક્ષાર્થીઓ  ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા શાંતિમય સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જૂનાગઢ કેન્દ્ર ખાતે કુલ 2080 ઉમેદવાર નોંધાયેલ હતા તેમાં આજે 1864 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને 216 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

જામનગર :  જામનગર જિલ્લાનાં પાંચ કેન્દ્રો ખાતે આજે  નીટ   પરીક્ષાનું આયોજન કલેક્ટર પી. બી. પંડયાનાં માર્ગદર્શન હેઠળ કરાયું હતું. બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં કુલ 1519 વિદ્યાર્થીઓ હાજર અને 174 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક