• રવિવાર, 21 જૂન, 2026

હોર્મુઝ ફરીથી બંધ

લેબનોનમાં ઈઝરાયલના વણથંભ્યા હુમલાથી ઉશ્કેરાયેલા ઈરાને ફરી નાક દબાવ્યું

અમેરિકા અને શાંતિ સમજૂતીની ઐસીતૈસી કરીને નેતન્યાહૂ હુમલા ચાલુ રાખવા મક્કમ : ફરી ઊર્જા સંકટનાં ઘેરાતાં વાદળ

નવીદિલ્હી, તા.20 : આખરે જેનો ભય અને આશંકા હતી એવા જ ઘટનાક્રમો આકાર લેવા માંડયા છે. યુદ્ધવિરામ અને અમેરિકા-ઈરાનની શાંતિ સમજૂતી પછી પણ ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહને નિશાન બનાવીને જારી રાખેલા હુમલાનો ગંભીર પડઘો પડયો છે. માંડ કરીને દુનિયામાં ઊર્જા પુરવઠા માટે ચાવીરૂપ જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂલ્યો હતો પણ ઈરાને ફરીથી તેને બંધ કરવાની ઘોષણા કરીને હડકંપ મચાવી દીધો છે. બીજીબાજુ ઈઝરાયલ હવે અમેરિકાની પણ ઐસીતૈસી કરીને હુમલા બંધ નહીં કરવાનાં હાકલા પડકારા કરી રહ્યું છે. આ સંજોગોમાં શાંતિ સમજૂતી તકલાદી સાબિત થઈ જાય તેવી પૂરી સંભાવના દેખાવા લાગી છે.

લેબનોનમાં ઈઝરાયલનાં વણથંભ્યા હુમલાનો હવાલો આપીને ઈરાનની સંયુક્ત સૈન્ય કમાને સરકારી ટીવી ચેનલ ઉપર સત્તાવાર નિવેદનમાં હોર્મુઝ ફરીથી બંધ કરવાનું એલાન કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, 111 દિવસ ચાલેલાં યુદ્ધ પછી અમેરિકા અને ઈરાને 14 બિંદુ ઉપર સમજૂતી કરાર કર્યો હતો પણ આમાં ઈઝરાયલ સામેલ નહોતું. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ હજી પણ લેબનોનમાં પીછેહઠ નહીં કરવા માટે અડગ છે. જેને પગલે ફરીથી ક્ષેત્રીય તનાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

ઈરાને ઈઝરાયલ તરફથી ચાલુ રાખવામાં આવેલા હુમલાઓને અમેરિકા સાથે થયેલી સમજૂતીનો ભંગ ગણાવ્યો હતો. આ ઉપરાંત ઈરાને ચેતવણી પણ આપી હતી કે, જો આવી આક્રમકતા ચાલુ રહેશે તો દુશ્મનોને તેની જવાબદારી શીખવવા માટે ઈરાની સેના આગળનાં પગલાં પણ ભરશે.

હોર્મુઝ બંધ કરવાનું ઈરાનનું પગલું અમેરિકાને દબાણમાં લાવવાની યુક્તિ પણ છે. હોર્મુઝ ફરી બંધ થતાં અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ઈઝરાયલ અને નેતન્યાહૂને સમજૂતીની શરત અનુસાર પાછા વાળવાનું દબાણ પેદા થશે.

ઇઝરાયલી હુમલામાં 16નાં મૃત્યુ

નેતન્યાહુએ કહ્યંy,?સૈન્ય અભિયાન જારી રહેશે

હિઝબુલ્લાહે કહ્યું, સમજૂતીની કોશિશો વ્યર્થ

ઇરાનમાં ઘરેલુ વિરોધ : શરત તૂટતાં અમેરિકા સાથે વાતનો અર્થ નથી

તેહરાન, તા. 20 : મધ્ય-પૂર્વમાં શાસકોનાં મગજ બંધ પડી ગયાં હોય, તેવું લાગી રહ્યું છે. સહમતી સધાયાના માત્ર આઠ કલાકમાં જ યુદ્ધવિરામ ભંગ કરતાં ઇઝરાયલે ફરી દક્ષિણ લેબેનોન પર લોહિયાળ હવાઇ હુમલા કર્યા હતા, જેમાં 16 લોકોનાં મોત થઇ ગયાં હતાં. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જણાવ્યું હતું કે, પોતાની સુરક્ષા સાથે કોઇ જ બાંધછોડ નહીં કરતાં ઇઝરાયલ ગાઝા અને લેબેનોનમાં સૈન્ય હુમલા જારી રાખશે.

બીજી તરફ, લોહિયાળ સંઘર્ષ વચ્ચે અમેરિકા અને ઇરાનની શાંતિ સમજૂતી બાદ આગળની વાતચીત માટે વિશેષ દૂત સ્ટીવ વિટકોફ શનિવારે સ્વિત્ઝર્લેન્ડ રવાના થયા હતા. દરમ્યાન, ગઇકાલ શુક્રવારની રાતથી દક્ષિણ લેબેનોન અને બેકા ઘાટીમાં શરૂ થયેલા તેલ અવીવના હવાઇ હુમલાઓમાં કુલ 47 લોકોનાં મોત થઇ ચૂકયાં છે, તો 97 ઘાયલ થયા છે.

ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી પણ અમેરિકા સાથે આગળના દોરની વાતચીત માટે સ્વિત્ઝર્લેન્ડ જવાની તૈયારીમાં હોવાના અહેવાલ મળ્યા હતા.

દરમ્યાન, હિઝબુલ્લાહના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઇઝરાયલની સેના લેબેનોનની જમીન પર મોજૂદ છે, ત્યાં સુધી શાંતિ સમજૂતીની કોઇ પણ કોશિશ વ્યર્થ છે. હિઝબુલ્લાહના પ્રતિનિધિ અલી ફય્યાદે જણાવ્યું હતું કે, હુમલા આમ જ જારી રહેશે, તો યુદ્ધવિરામ સમજૂતી જેવી કવાયતો કરવાનો કોઇ મતલબ નથી રહી જતો.

અમારો આત્મરક્ષાનો અધિકાર પૂર્ણપણે યોગ્ય છે અને તેના પર કોઇ જાતની વાતચીત થઇ શકતી નથી, તેવું તેમણે કહ્યું હતું.

બીજી તરફ ઇરાનમાં અમેરિકા સાથે થયેલી સમજૂતી સામે ઘરેલુ વિરોધ વધતો જઇ રહ્યો છે. ઇરાનની એક એજન્સીએ વિદેશમંત્રી અરાઘચીને અમેરિકાના વિશેષ દૂત વિટકોફ સાથે મુલાકાત માટે યુરોપ નહીં જવાની ચેતવણી આપી હતી.

શાંતિ સમજૂતીના 14 મુદ્દાની પહેલી શરત લેબેનોન પર હુમલા રોકવાની હતી, જે હવે તૂટી ચૂકી હોવાથી અમેરિકી સાથે વાતચીત ચાલુ રાખવી મોટી ભૂલ લેખાશે, તેવું ઇરાની એજન્સીએ જણાવ્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક