લાંચ અને દબાણથી પક્ષપલટો કરાવતા રાજકીય પક્ષનું નામ પણ સીજેઆઈએ પૂછ્યું
નવી
દિલ્હી, તા.19: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછીથી દેશમાં અનેક રાજકીય પક્ષોમાં
ભંગાણ અને પક્ષપલટાંનો સિલસિલો શરૂ થયો છે ત્યારે હવે રાજકીય પક્ષોનાં નેતાઓનાં પક્ષ
પલટાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. પક્ષપલટા રોકવાનાં નિર્દેશનો અનુરોધ
કરતી એક અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ થઈ છે. જેનાં ઉપર દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઈ)
સૂર્યકાંતે સુનાવણીનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ અરજદારને પક્ષનાં નામને લઈને પણ
સવાલ કરવામાં આવ્યા હતાં.
અરજીમાં
ભ્રષ્ટાચાર અને પક્ષપલટાનો ઉલ્લેખ કરવામાં આવેલો અને એડવોકેટ સી.આર.જયા સુકિને કહ્યું
હતું કે, આ દેશમાં પક્ષનાં નેતાઓ કાં તો લાંચ આપીને ભ્રષ્ટાચારમાં લિપ્ત અથવા તો ધમકીઓ
આપી રહ્યાં છે કે જો તે પક્ષમાં સામેલ નહીં થાય તો તેમનાં પરિવારનાં સદસ્યોને નુકસાન
પહોંચાડવામાં આવશે. જેની સામે સીજેઆઈ સૂર્યકાંતે સવાલ કર્યો હતો કે, તમે આમાં ક્યાં
સત્તારૂઢ પક્ષની વાત કરી રહ્યાં છો? તમારા રાજ્યમાં તો પક્ષો બદલતા જ રહે છે. જેને
પગલે એડવોકેટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, એક પક્ષ પૂર્વ અને એક મધ્યભારતમાં છે.
એક પક્ષનાં નેતા અન્ય પક્ષમાં સામેલ થઈ રહ્યાં છે. સ્પીકરે નેતાઓનાં રાજીનામાની ચકાસણી
કરવી જોઈએ. સ્પીકર મીડિયાને બોલાવે છે અને પછી રાજીનામા સ્વીકારી લેવામાં આવે છે. આ
લોકતંત્રને તબાહ કરવા જેવું છે. આવી ઉપલક દલીલો પછી સીજેઆઈએ કહ્યું હતું કે, તમે બોલવા
માટે 1 મિનિટનો સમય માગ્યો હતો અને તમને 7 મિનિટ આપવામાં આવી છે. આ અરજી ખારિજ કરવામાં
આવે છે.