દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી લંબાવવા નકારીને સ્થળ ખાલી કરવા આદેશ આપ્યો
અભિજીત
દીપકેએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને હતભાગી છાત્રો માટે 1-1 કરોડનું વળતર માગ્યું
નવીદિલ્હી,
તા.20 : નીટ પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)એ આજે ફરી દિલ્હીમાં જંતરમંતર
ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પક્ષનાં સ્થાપક અભિજીત દીપકે ગાંધીજી અને ડૉ.આંબેડકરનાં
ફોટો લઈને મંચ ઉપર પહોંચ્યા હતાં. સીજેપીએ મંચ ઉપર નીટ પેપર લીક પછી આપઘાત કરનાર છાત્રોનાં
પોસ્ટર પણ લગાવેલાં હતાં. અભિજીતે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ ન આપે
ત્યાં સુધી ધરણાં પ્રદર્શન ચાલુ રાખવાનો અને સ્થળ ખાલી નહીં કરવાનો હુંકાર કર્યો હતો.
બીજીબાજુ દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી લંબાવવાનો ઈન્કાર કરીને સ્થાન ખાલી કરવાં
કહ્યું હતું.
દીપકેએ
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આત્મહત્યા કરનાર છાત્રોનાં પરિજનો
માટે 1-1 કરોડ રૂપિયાનાં વળતરની માગણી પણ કરી હતી અને સાથોસાથ કેન્દ્રીય શિક્ષામંત્રી
ધમેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની માગણી પણ આમાં દોહરાવી હતી.
આ પહેલા
6 જૂને પણ જંતરમંતર ખાતે સીજેપીએ વિરોધી દેખાવો યોજ્યા હતા અને અત્યાર સુધીમાં સોશિયલ
મીડિયામાંથી ઉઠેલી આ જુવાળે પૂણે, લખનઉ, અમૃતસર, હૈદરાબાદ, બેંગ્લુરુ, જયપુર અને નાગપુરમાં
દેખાવો યોજી લીધા છે. દીપકેએ કહ્યું હતું કે, જે લોકો છાત્રોનાં ભવિષ્યને લઈને ચિંતિત
છે તેમણે સમર્થનમાં આગળ આવવું જોઈએ. જો કે તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે
આ વિશે કોઈપણ વાતચીત થયાનું નકાર્યું હતું.