• રવિવાર, 21 જૂન, 2026

રાજ્યમાં 23થી 25 જૂન “પ્રગતિનો પ્રવેશોત્સવ’’ વડનગરથી મુખ્યમંત્રી કરાવશે ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ

ગાંધીનગર, તા.20 : રાજ્ય સરકાર દ્વારા  23, 24 અને 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી “પ્રગતિનો પ્રવેશોત્સવ’’ યોજવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરથી આ ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. કાર્યક્રમના બીજા દિવસે તેઓ દાહોદ જિલ્લામાં તથા અંતિમ દિવસે સાણંદ ખાતે પ્રવેશોત્સવમાં હાજરી આપશે.

પ્રવેશોત્સવના પ્રારંભ પ્રસંગે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ જિલ્લામાં, રાજ્યમંત્રી રીવાબા જાડેજા મહેસાણા જિલ્લામાં તથા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા કચ્છ જિલ્લામાં કાર્યક્રમનું નેતૃત્વ કરશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં અને ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી ગાંધીનગર જિલ્લામાં પ્રવેશોત્સવમાં જોડાશે. આ ઉપરાંત રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ તાપી જિલ્લામાં તથા કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ જિલ્લામાં કાર્યક્રમમાં ભાગ લેશે.

રાજ્યના શિક્ષણ વિભાગના આ મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમમાં બાળકોના શાળા પ્રવેશ અને નામાંકન સાથે “િનપુણ ગુજરાત’’ પ્રોજેક્ટનું પણ લોન્ચિંગ કરવામાં આવશે. પ્રોજેક્ટ દ્વારા રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત અને પરિણામલક્ષી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન રાજ્ય મંત્રીમંડળના સભ્યો, 400થી વધુ વરિષ્ઠ અધિકારીઓ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને શાળાઓની મુલાકાત લેશે. દરેક અધિકારીને દરરોજ ત્રણ શાળાઓની મુલાકાત લેવાની રહેશે, જેમાં એક પ્રાથમિક અને બે માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવશે.

આ વર્ષે ખાસ કરીને માધ્યમિક શિક્ષણમાં વધતા ડ્રોપઆઉટ દરને ધ્યાનમાં રાખીને શાળા છોડનારા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓના પ્રવેશ, હાજરી, જઅઝ પરિણામો, શાળાની સિદ્ધિઓ અને શિક્ષણની ગુણવત્તાની સ્થળ પર સમીક્ષા પણ કરવામાં આવશે.

ગુણોત્સવમાં ચોથો સુધારો

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્ત્વાકાંક્ષી ગુણોત્સવ કાર્યક્રમમાં ચોથી વખત વ્યાપક સુધારો કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ (ની ભલામણોને અનુરૂપ શાળાઓના ગુણવત્તા મૂલ્યાંકન માટે સ્કુલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક પધ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ શાળાઓનું મૂલ્યાંકન 6 મુખ્ય ક્ષેત્રો, 52 પેટાક્ષેત્રો અને 211 માપદંડોના આધારે કરવામાં આવશે. અધ્યયન-અધ્યાપન, મૂલ્યાંકન, શાળા વ્યવસ્થાપન, સર્વાંગી વિકાસ પ્રવૃત્તિઓ, શાળા સંસાધનો અને છાત્રાલય જેવા ક્ષેત્રોને વિશેષ મહત્વ આપવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક