• રવિવાર, 21 જૂન, 2026

શાપર-વેરાવળમાં મધરાતે રૂ.2.49 કરોડની લૂંટ

77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી મોઢે ડૂમો દઈ રોકડ દાગીના મોબાઈલ અને રિવોલ્વોરની લૂંટ ચલાવી લુટારુ ફરાર

ડબલાપીર સુધી ડોગ સ્કવોડને મળ્યું લુટારુનું છેલ્લુ પગેરું

 (ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, ગોંડલ, તા.20: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અને ઉદ્યોગ એકમોથી ધમધમતા શાપર-વેરાવળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક મોટી અને સનસનીખેજ ઘટના સામે આવી છે. શાપર મેઇન રોડ પર આવેલા ‘બગીચાનો બંગલો’ નામના મકાનમાં રહેતા 77 વર્ષીય નિવૃત વૃદ્ધ જીતેન્દ્રાસિંહ અજીતાસિંહ જાડેજાના ઘરમાં મધરાતે પાંચ અજાણ્યા શખ્સોએ ઘુસીને અઢી કરોડ રૂપિયાથી વધુની માતબર રકમની લૂંટ ચલાવી છે. સનસની ઘટના બનતા રેન્જ આઈ.જી., એસ.પી. અને શાપર પોલીસનો સ્ટાફ દોડતો થયો હતો ત્યારે સાથે રૂરલ ડોગ સ્કવોડની ટીમને મહત્વની કામગીરી સોંપવામાં આવી હતી. સ્કવોડના ડોગે ઘટના સ્થળેથી સુંઘતા સુંઘતા શાપરથી ઢોલરા જવાના રસ્તે ડબલાપીર સુધીનું લુટારૂનું પગેરૂ મેળવ્યુ હતું. ત્યારબાદ ત્યાં હાઈવે રોડ આવી જતો હોવાથી ડોગ ઉભો રહી જતા પોલીસની અનેક ટીમો આ રૂટ તરફ તપાસમાં આગળ વધી છે.

બનાવનાં પગલે રેન્જ આઇજી, જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો શાપર દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી જીતેન્દ્રાસિંહ જાડેજાના પત્નીનાં હાથમાં ફ્રેક્ચર થયું હોવાથી તેઓને બે દિવસથી રાજકોટની જી.ટી. શેઠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આથી ગત શનિવારે તા.20 ના રોજ રાત્રે તેઓ ઘરમાં એકલા જ સુતા હતા. રાત્રે આશરે દોઢેક વાગ્યાના અરસામાં પાંચ જેટલા અજાણ્યા શખ્સો મોઢે બુકાની બાંધીને લોખંડના પાઇપ સાથે લાકડાનો દરવાજો તોડીને ઘરમાં ઓસરીમાં પ્રવેશ્યા હતા. ઘરમાં ઘુસતાની સાથે જ એક શખ્સે સીધો જ વૃદ્ધને છાતીના ભાગે મુક્કો મારી દીધો હતો અને બંને હાથના કાંડા પર માર મારી નીચે પછાડી દીધા હતા. ત્યારબાદ તેઓએ વૃદ્ધના મોઢે ડૂચો દઈને નાક પર પણ ઈજા પહોંચાડી હતી.

વૃદ્ધને ડરાવી-ધમકાવીને એક લૂંટારો લોખંડનો પાઇપ લઈને તેમની પાસે ઉભો રહ્યો હતો, જ્યારે અન્ય ચાર શખ્સોએ રૂમમાં રહેલા લોખંડના બે કબાટ પાઇપથી તોડી નાખ્યા હતા અને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ લૂંટારાઓએ કબાટમાં પ્લાસ્ટિકની અલગ-અલગ થેલીઓમાં રાખેલા 2,47,00,000 રૂપિયા (બે કરોડ સુડતાલીસ લાખ રોકડા) અને પત્નીના આશરે 7 થી 8 તોલા સોનાના દાગીના જેમાં વીંટી, મંગળસૂત્ર અને સાંકળા સામેલ છે, જેની અંદાજિત કિંમત 2,00,000 રૂપિયા થાય છે.તે લૂંટી લીધા હતા. આ ઉપરાંત, કબાટમાં રહેલી ફરિયાદીના પુત્ર જયવીરાસિંહની લાયસન્સવાળી 32.40 બોરની રાઈફલ બંદૂક કિંમત 10,000 રૂપિયા અને 1,000 રૂપિયાનો નોકિયા કંપનીનો સાદો મોબાઈલ ફોન પણ આરોપીઓએ લૂંટી લીધો હતો. કુલ 2,49,11,000 રૂપિયાનો મુદ્દામાલ લૂંટીને આરોપીઓ વૃદ્ધને રૂમમાં બહારથી બંધ કરીને ફરાર થઈ ગયા હતા.

આ  ઘટના બાદ વૃદ્ધે હિંમત ભેગી કરી રૂમનો નકુચો ખોલીને બહાર આવ્યા હતા અને ઓસરીમાં બારી પાસે પડેલા પત્નીના મોબાઈલમાંથી તેમના દીકરા જયવીરાસિંહને ફોન કરી જાણ કરી હતી. થોડીવારમાં જ દીકરો અને ભત્રીજો ઓમકારાસિંહ ઘરે દોડી આવ્યા હતા અને શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી. શાપર પોલીસ મથકમાં લુંટની આવી સનસની ફરિયાદ નોંધાતા રેન્જ આઈ.જી. નિર્લિપ્તરાય, રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને રૂરલ પોલીસની અનેક ટીમો બનાવી સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લુટારૂઓ કાંગશીયાળીથી ઢોલરા રૂટ સુધી કેમેરામાં કેદ થયા હતા અને રૂરલ ડોગ સ્કવોડની ટીમે ડોગ સાથે તપાસ કરતા ડોગે પોલીસ કાફલાને ઢોલરા નજીક આવેલા ડબલાપીર સુધી દોડાવી લુટારૂઓનું છેલ્લુ પગેરૂ મેળવી આપ્યુ હતું. હાલ પોલીસ લુટારૂઓના મળેલા બન્ને લોકેશન પર આગળ વધી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક