• રવિવાર, 21 જૂન, 2026

ગુજરાતના દરિયામાં 680થી વધુ ડોલ્ફિન !

પ્રસિદ્ધ શિવરાજપુર બીચ અને પોશિત્રાનો દરિયાકિનારો ડોલ્ફિન માટે ‘બેસ્ટ સ્પોટ’

ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમારોનું મહત્વપૂર્ણં યોગદાન : વન મંત્રી અર્જુન મોઢવાડિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, દ્વારકા તા.20 : વન્યજીવોની સાથોસાથ સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા ‘ડોલ્ફિન’ના સંરક્ષણ-સંવર્ધનમાં ગુજરાતે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વર્ષ 2025ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680થી વધુ  ડોલ્ફિન નોંધાઈ છે,  પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એવા શિવરાજપુર અને પોશિત્રાનો દરિયાકિનારો ડોલ્ફિન માટે ‘બેસ્ટ સ્પોટ’  તરીકે પણ ઓળખાય છે. અહીં પાણી ખૂબ જ સ્વચ્છ હોવાથી ડોલ્ફિન સરળતાથી દેખાઈ આવે છે તેમવન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચો.કિ.મીનીના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1,821 ચો.કિ.મી.માં 168, ભાવનગરના 494 ચો.કિ.મી.માં 10 તેમજ મોરબીના 388 ચો.કિ.મી.માં ચાર ડોલ્ફિન જોવા મળી છે. આમ, કચ્છના અખાતમાં આવેલો આ ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ડોલ્ફિનનું મુખ્ય ઘર છે.

મંત્રીએ કહ્યું હતું કે, સ્વસ્થ ઈકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્વનું જળચર પ્રાણી છે. આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે.

ગુજરાતમાં જોવા મળતી ડોલ્ફિનની વિશેષતાઓ

ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં મુખ્યત્વે ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન તેમજ બોટલનોઝ ડોલ્ફિન એમ બે પ્રકારની ડોલ્ફિન સૌથી વધુ જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે, તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે, પૂંછડીથી ઓળખી શકાય છે. ડોલ્ફિન તેમના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે. ડોલ્ફિન ઘણીવાર લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રવાસીઓને તેમના એક્રોબેટિક પ્રદર્શનથી આનંદિત કરી મૂકે છે તેમનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર બોટલ જેવો હોવાથી તેમને સરળતાથી ઓળખી શકાયે છે. ડોલ્ફિનનો મુખ્ય ખોરાક માછલીઓ અને કરચલા, જિંગા હોવાથી દરિયાકિનારા અને નદીમુખો પાસે જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન સામાન્ય રીતે 2.5 થી 3.2 મીટર લાંબી હોય છે અને તેમનું વજન 150 થી 250 કિલોગ્રામ સુધી હોઈ શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક