• રવિવાર, 21 જૂન, 2026

ચોમાસું મંગળવારથી આગળ વધશે

હવામાન તંત્રની ઉચાટ વચ્ચે આશ્વાસનરૂપ આગાહી; વીજળીથી બિહાર, ઝારખંડમાં 14 મોત

નવી દિલ્હી, તા. 20 : છેલ્લા 12 દિવસથી થંભી ગયેલાં ચોમાસાંએ સર્જેલા ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા સમાચાર મળી રહ્યા છે. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું હતું કે, ચોમાસું 23 જૂનથી આગળ વધી શકે છે. વરસાદી મોસમ 23 જૂન પહેલાં છત્તીસગઢ પહોંચશે. મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસાં માટે જરૂરી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે.

દરમ્યાન, વીજળી પડતાં બિહારમાં છ અને ઝારખંડમાં આઠ મળીને 14 લોકોનાં મોત થઇ ગયાં હતાં. મધ્ય ભારતમાં ચક્રવાતી સિસ્ટમ સર્જાતાં વરસાદ વરસાવતાં ચોમાસુ વાદળો ઉત્તર ભારત તરફ આગળ વધી શકે છે. આઠમી જૂનથી તેલંગાણામાં અટકી ગયેલું ચોમાસું 15 દિવસમાં દેશનાં 19 રાજ્ય સુધી પહોંચી ગયું છે.

છત્તીસગઢમાં 23મી જૂન સુધી તોફાન, વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે, તેવો વર્તારો દેશના મોસમ વિજ્ઞાન વિભાગ તરફથી અપાયો હતો.

પશ્ચિમ બંગાળનાં કોલકાતા, સિલિગુડી તેમજ દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે વરસાદ થયો હતો. હવે ગુજરાત સહિત રાજ્યો વરસાદ ઝંખી રહ્યાં છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક