‘માઉથ કવરિંગ’ નિયમ ખેલાડીઓ માટે બન્યો મુસીબત : પરાગ્વેનો મિગુએલ બન્યો ભોગ
સાન
ફ્રાન્સિસ્કો, તા. 20 : ફીફા વિશ્વકપ 2026માં એક એવો મામલો સામે આવ્યો છે જેણે દુનિયાભરના
ફૂટબોલ પ્રશંસકોનું ધ્યાન ખેંચ્યું છે. પરાગ્વેનો સ્ટાર મિડફીલ્ડર મિગુએલ અલ્મિરોન
ફીફાના નવા ‘માઉથ કવરિંગ’ નિયમ હેઠળ રેડ કાર્ડ મેળવાનો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો
છે. 20મી જૂને તુર્કી સામેના મુકાબલામાં બનેલી ઘટનાએ સાફ કરી દીધું છે કે ફીફા ખેલાડીઓના
વ્યવહાર અંગે પહેલા કરતા વધારે કડક બન્યું છે.
સમગ્ર
બનાવ પહેલાં હાફની અંતિમ મિનિટોમાં બન્યો હતો. જ્યારે ફાઉલ બાદ મિગુએલ મલ્મિરોન અને
તુર્કીના ડિફેન્ડર મેર્ટ મુલ્ડુર વચ્ચે દલીલો થઈ હતી. આ દરમિયાન અલ્મિરોન મોઢું ઢાંકીને
કંઈક બોલી રહ્યો હતો. જેની મુલ્ડુરે મેચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. રેફરી ઈવાન બાર્ટને
આ મામલે મિગુએલ અલ્મિરોનને તરત જ રેડ કાર્ડ બતાવી દીધું હતું. આ બનાવથી ખેલાડીઓ અને
દર્શકો ચોંકી ઉઠયા હતા. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે પરાગ્વે 1-0થી આગળ હતું. બાદમાં
પરાગ્વેને જીત પણ મળી હતી.
ફીફાએ
2026 વિશ્વકપ પહેલાં જ ખેલાડીઓ દ્વારા અપમાનજનક, ભેદભાવપૂર્ણ કે અભદ્ર ભાષાના ઉપયોગ
ઉપર લગામ કસવા માટે આ નિયમ લાગુ કર્યો હતો. નિયમ અનુસાર કોઈપણ ખેલાડી વિવાદની સ્થિતિમાં
પોતાના હાથ કે ખભાથી મોઢું ઢાંકીને વિરોધી ખેલાડી સાથે વાત કરે તો રેફરી ખેલાડીને રેડ
કાર્ડ બતાવી શકે છે. હકીકતમાં મોઢું ઢાંકીને અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો હોય તો તપાસ
મુશ્કેલ બને છે. આ કારણે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.