અમરેલીમાં 41.1 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 21 : ઉનાળામાં હવે ધીમે ધીમે ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે ત્યારે હવામાન વિભાગ
દ્વારા સાત દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી
મુજબ, આ સપ્તાહના અંત સુધીમાં અમદાવાદનું તાપમાન વધીને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી
શકે છે, જેના કારણે અમદાવાદીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડશે.
રાજ્યમાં
અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આગામી 26 એપ્રિલે મતદાનના દિવસે પણ ગરમી
43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા મતદારો અને કાર્યકરોને લૂથી બચવા
સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં
આવી છે તેમાં બપોરે 12 થી 4 દરમિયાન કામ વગર બહાર નીકળવાનું ટાળવું. હળવા રંગના સુતરાઉ
કપડાં પહેરવા અને બહાર જતી વખતે છત્રી, ટોપી કે રૂમાલનો ઉપયોગ કરવો, તરસ ન લાગે તો
પણ પૂરતા પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત કે નાળિયેર પાણી પીતા રહેવું અને વાસી ખોરાક
અને વધુ પડતા પ્રોટીનયુક્ત આહારથી બચવું અને ચા-કોફી અને સોડાનું પ્રમાણ ઘટાડવાની સલાહ
આપવામાં આવી છે. આજના તાપમાન પર નજર નાખતા જણાય છે કે અમદાવાદમાં 41, અમરેલીમાં 41.1,
ગાંધીનગરમાં 40.5, રાજકોટમાં 40.7 ડિગ્રી નોંધાયું હતું.
જૂનાગઢ
: સોરઠમાં છેલ્લા થોડા દિવસથી સૂર્યનારાયણે આકરો મિજાજ દાખવતા સર્વત્ર અગનભઠા જેવી
સ્થિતિ ઊભી થઈ છે. આજે તાપમાનનો પારો 40 ડિગ્રીએ રહ્યો હતો. કાળજાળ તાપથી બપોરના સમયે માર્ગો સુમસામ બની ગયા હતા. ગરમીથી બચવા લોકો ઘરમાં પુરાઈ રહેવાની
ફરજ પડી રહી છે.