બન્ને પક્ષના પાંચને ઈજા : સામસામે ફરિયાદ
જૂનાગઢ, તા.7: માળિયાહાટીના તાલુકાનાં
ધરમપુર ગામે પાણીની પાઇપલાઇન નાખવાનાં મનદુ:ખમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા પાંચ
વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સામ-સામે પોલીસમાં ફરિયાદ
નોંધાઈ છે.
જૂનાગઢ રહેતા અને ધરમપુર ગામે
જમીન ધરાવતા કાનજી બચુ રામએ પોતાના ખેતર નજીક ગઈકાલે પોતાનો ભાગ્યો અને મામાનો દીકરો
અશ્વિન નારણ વાળા જેસીબી મશીનથી પાણીની પાઇપલાઇન નાખવા નહેર ગારતો હતો ત્યારે પડોશમાં
જમીન ધરાવતા રામા જવા ખેરને તેનો વિરોધ કરી કામ બંધ કરાવ્યું હતું. આ અંગે અશ્વિનભાઈએ
જમીન માલિક કાનજી રામને જાણ કરતા તેઓ ધરમપુર દોડી ગયા હતા અને ગામના સરપંચ દેવાયતભાઈ
તથા અન્યને સાથે લઈ રામા જશા ખેરને ફોન કરતા જણાવ્યું હતું કે, ત્યાં પાઇપલાઇન નખાશે
નહીં તે સરકારી ખરાબો મારો છે.
બાદમાં ગામના સરપંચ અને અન્ય
આગેવાનો સાથે સાંજે સમજાવવા તેની વાડીએ ગયેલા ત્યારે રામા જશા ખેર, મહેશ ધીરુ, પીયૂષ
રામા, ધીરુ જશા, હરિ જશા અને અજિત હરિ ખેરએ
લોખંડના પાઇપ, ધોકા, લાકડી વડે કાનજી બચુ, અશ્વિન નારણ, બાબુ હાજા અને નાથા મૂળુ ઉપર
હુમલો કરી ઇજા પહોંચાડી હતી જ્યારે સામા પક્ષે
હરી જશા ખેરને ઇજા થઈ હતી. આ અંગે કાનજી બચુ રામ એ રામા જશા ખેર સહિત છ સામે તથા હરિ
જશા ખેર એ આશિષ હાજા સહિત ત્રણ સામે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી
તપાસ હાથ ધરી છે.