• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

ગુજરાતમાં કમોસમી કહેર ભર ઉનાળે 22 તાલુકામાં વરસાદ 3 સિસ્ટમ સક્રિય થતાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું વરસ્યું : ખેડૂતોમાં ચિંતા

ભાવનગરમાં ભારે પવન અને ગાજવીજ સાથે પોણો ઇંચ વરસાદ

રાજકોટ, તા. 7: ગુજરાત ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 3 સિસ્ટમ સક્રિય થવાથી આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યના 22 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતરમાં  ઉભેલા પાકને લઈને ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.

ભાવનગર : શહેરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા મુશળધાર કમોસમી વરસાદ તૂટી પડયો હતો. ભરઉનાળે ગાજવીજ અને ભારે પવન સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે સમગ્ર શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, શહેરમાં 20.2 મી.મી. વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વરસાદની તીવ્રતા અને પવનના જોરને કારણે શહેરના વિદ્યાનગર અને કુમુદવાડી વિસ્તારમાં એક મકાનની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની હતી, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જિલ્લાના ઘોઘા પંથકમાં પણ બપોરે વરસાદી ઝાપટા પડયા હતા, જ્યાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ માવઠાથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતી ક્ષેત્રે ખાસ કરીને કેરીના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

બોટાદ : બોટાદ જિલ્લામાં પડેલા હળવા ઝાપટાએ વિકાસ કાર્યોની હકીકત બહાર પાડી છે. લાઠીદડ વિસ્તારમાં તાજેતરમાં બનાવાયેલા નવા નક્કર રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોડ નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તાવાળું મટીરીયલ ઉપયોગમાં લેવાયું હોવાની રજૂઆત અગાઉથી જ કરવામાં આવી હતી, છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. વરસાદ પડતાં જ રોડ પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તેમજ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ :  ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડયો હતો. પવન સાથે આવેલા આ વરસાદે જનજીવનને અસર કરી છે. મહેસાણાના વિસનગરમાં પણ અચાનક પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે ખેડા જિલ્લાના માતરના ગ્રામીણ વિસ્તારો અને ભલાડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. વીજળીના કડાકા સાથે થયેલા આ માવઠાથી જનજીવન પ્રભાવિત થયું છે.જ્યારે આણંદના ખંભાત પંથકમાં વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલા ઘઉંના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સાથે સમી સાંજે અમદાવાદમાં પણ ભારે પવન શરૂ થયો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં વાતાવરમ ગરમ અને સૂકુ રહેશે અને ગરમી 2-3 ડિગ્રીનો વધારો નોંધાઇ શકે છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક