- રાતે 8 વાગ્યાથી બજારો, દુકાનો બંધ : વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય
નવી
દિલ્હી, તા.7: પશ્ચિમ એશિયામાં ચાલતા તણાવ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની
અવરજવર પર રોકનાં કારણે ઉભા થયેલા વૈશ્વિક ઈંધણ સંકટથી પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ
છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતને ધ્યાનમાં રાખીને પાક.માં સરકારે ઊર્જા બચત માટે
કડક પગલાં લેતા દેશભરમાં લોકડાઉન જેવા ઉપાયો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી
શહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે,
સિંધ પ્રાંત સિવાય દેશના બાકીના ભાગોમાં બજારો, શાપિંગ મોલ અને દૈનિક વપરાશની વસ્તુઓ
વેચતી દુકાનો રાત્રે 8 વાગ્યે બંધ કરી નાખાવામાં આવશે.
પ્રધાનમંત્રી
કચેરી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મધ્યપૂર્વમાં ચાલી રહેલા
સંઘર્ષ અને હોર્મુઝમાં અવરજવર ખોરવાઈ જવાથી ઈંધણ સંકટને ધ્યાનમાં રાખીને ઊર્જા બચાવવા
આ નિર્ણય લેવાયો છે.
જેમાં
ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ, બલૂચિસ્તાન, ઇસ્લામાબાદ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર(પીઓકે)માં
બજારો અને શાપિંગ મોલ રાત્રે 8 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાનાં રહેશે. ખૈબર પખ્તૂનખ્વામાં
અમુક વિસ્તારોમાં બજારો રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. બેકરી, રેસ્ટોરાં, તંદૂર
અને ખાદ્ય પદાર્થો વેચતી દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. લગ્ન સમારંભ માટે
વપરાતા હોલ, ટેન્ટ અને અન્ય સ્થળો પણ રાત્રે 10 વાગ્યા પછી બંધ થશે. ઘરો અથવા ખાનગી
મિલકતોમાં પણ રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભ યોજવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત
દવાની દુકાનો - ફાર્મસી પર આ સમય મર્યાદાનો કોઈ પ્રભાવ નહીં પડે. આ નવા નિયમ આજે મંગળવાર(7
એપ્રિલ 2026) રાત્રે 8 વાગ્યાથી અમલમાં આવી ગયા છે.
પ્રધાનમંત્રી
શહબાઝ શરીફે બેઠક બાદ પંજાબ, ખૈબર પખ્તૂનખ્વા, બલૂચિસ્તાન અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના
મુખ્યમંત્રીઓનો રાષ્ટ્રીય હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવા બદલ આભાર માન્યો હતો. તેમણે
આશા વ્યક્ત કરી કે સિંધ સરકાર પણ અન્ય પ્રાંતોની જેમ ઊર્જા બચતના પગલાં અમલમાં મૂકશે.
આ ઉપરાંત ગિલગિટ અને મુઝફ્ફરાબાદમાં એક મહિના માટે આંતર-શહેરી જાહેર પરિવહન મફત કરી
દેવાયું છે, જેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. સરકારની ડિજિટલ વૉલેટ સબસિડી યોજનાના
હેઠળ પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધીની રાહત પણ ચાલુ રાખવામાં આવી
છે.