• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

એરંડાનું ઉત્પાદન 11 ટકા વધતા હવે પુષ્કળ આવક

ગુજરાતભરમાં 2 લાખ ગુણી રોજ આવવા લાગતા ભાવ રૂ. 1300ની અંદર

રાજકોટ, તા.7 (ફૂલછાબ ન્યૂઝ) : એરંડાની નવી આવક હવે પૂરજોશમાં થવા લાગતા ભાવમાં મંદી છવાઇ ગઇ છે. પાછલા ત્રણ દિવસથી ગુજરાતભરની મંડીઓમાં સરેરાશ બે લાખ ગુણીની ચિક્કાર આવક થવા લાગતા ભાવ મણે રૂ. 40-50 જેટલા ઝડપભેર તૂટી પડયાં છે. એરંડાના ભાવ મંડીઓમા રૂ. 1300ની સપાટી તોડી ગયા છે. ચાલુ વર્ષે ઉત્પાદન 11 ટકા વધુ છે ત્યારે હવે રજાઓ પૂરી થતાં એકસાથે આવક દેખાવા લાગી છે. ગુજરાતમાં પાક સારો છે. દેશમાં કુલ 17.60 લાખ ટન એરંડા પાકશે તેવી ધારણા સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસીએશન દ્વારા વ્યક્ત થઇ છે. ગયા વર્ષમાં 15.90 લાખ ટન ઉત્પાદન હતુ. ઉત્પાદનમાં વધારાની અસર હવે આવક પર દેખાય છે.

માર્ચ અંતની રજાઓની સાથે જાહેર રજાઓનો સમય પણ પૂરો થયો છે. પરિણામે માર્કેટ યાર્ડમાં છૂટથી આવક થવા માંડી છે. ગુજરાતમાં ત્રણ દિવસથી બે લાખ ગુણી આસપાસ રોજ આવક થાય છે. એરંડાનો ભાવ ગત ગુરુવારની તુલનાએ સોમવાર સુધીમાં રૂ. 25-30 ઘટીને રૂ.1200-1250 સુધી આવી ગયો છે. ઘટાડાને લીધે ખેડૂતો ચિંતામાં પડી ગયા છે કારણકે ચાલુ મોસમમાં એક તબક્કે રૂ. 1260 વાળો ભાવ રૂ. 1315 સુધી વધી આવતા સૌ તેજીમાં આવી ગયા હતા. જોકે હવે આવકના વધતા પ્રવાહે દિશા બદલી નાખી છે. જાણકારો કહે છે, આવક હજુ જળવાઇ રહે તો ભાવમાં રૂ. 20-30નો ઘટાડો સારી ક્વોલિટીમાં આવી શકે છે.

દરમિયાન અત્યારે આવક સુધરવાને લીધે મિલોની ખરીદી વધી છે પણ નીચાં ભાવમાં ખરીદી આવતી હોવાથી બજાર દબાય છે. ક્રૂડ તેલના ભાવમાં તેજીને લીધે અગાઉ એરંડા સુધર્યા પછી હવે ક્રૂડ તેલનો ટેકો નથી. પામતેલમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.  દિવેલનો ભાવ કંડલા પહોંચમાં રૂ. 1310 થઇ ગયો છે. જે રૂ. 1345ના મથાળેથી પરત ફર્યો છે. નિકાસના કામકાજો જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં નબળા થવાથી નિકાસનો આંકડો નીચો આવ્યો છે. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસીએશનના આંકડાઓ પ્રમાણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દિવેલની નિકાસ 87,686 ટન થઇ છે. જે પાછલા વર્ષે 1,11,018 ટન હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક