• બુધવાર, 08 એપ્રિલ, 2026

આઈપીએલનાં મેચ ઉપર પ્રતિબંધની માગણી : કોર્ટે કહ્યું, મેચની મજા માણો

- તામિલનાડુની ચૂંટણીનાં અનુસંધાને આચારસંહિતા ભંગની આશંકા હાઈકોર્ટે ફગાવી

 

નવી દિલ્હી, તા. 7: મદ્રાસ હાઈકોર્ટે આઈપીએલનાં મેચો ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક જનહિત અરજી સાંભળવાનો ઈનકાર કરતાં હળવી ટિપ્પણી કરીને અરજદારને મેચનો આનંદ લેવાની સલાહ પણ આપી હતી.

આ અરજીમાં ચૂંટણી દરમિયાન તમિલનાડુમાં આઈપીએલનાં મેચોને રેગ્યુલેટ કરવા માટે સૂચનાઓ આપવાની માગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એસ.એ.ધર્માધિકારી અને જસ્ટિસ અરુલ મુરુગની પીઠે કહ્યું હતું કે, આ અરજી માત્ર અનુમાન (આશંકા) પર આધારિત છે. કોર્ટે અરજદારને મેચનો આનંદ લેવા પણ સલાહ આપી હતી.

આ પહેલાં અરજીમાં માગ કરવામાં આવી હતી કે આઈપીએલ મેચો ચૂંટણી બાદ યોજવામાં આવે અથવા તો આદર્શ આચાર સંહિતાનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે. ઉપરાંત, મેચના સ્થળોએ રાજકીય પ્રતીકો અને પ્રચાર સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની પણ માગ હતી. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં આગામી 23 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે.

કોર્ટે આ અરજીની સુનાવણીમાં કહ્યું હતું કે, જો આદર્શ આચાર સંહિતાનો કોઈ ભંગ થાય તો ચૂંટણી પંચ તેને સંભાળવા માટે સંપૂર્ણ સક્ષમ છે. કોર્ટે વધુમાં કહ્યું કે ઘણા નિર્ણયમાં ચૂંટણી આયોગની ભૂમિકાને પહેલેથી જ માન્યતા આપી દેવામાં આવી છે. ખંડપીઠે આગળ નોંધ્યું હતું કે, એક આઈપીએલ મેચ કોઈ મુશ્કેલી વગર પહેલા પૂર્ણ થઈ ચૂકી છે.  આ માત્ર એક આશંકા છે. એક મેચ પૂર્ણ થઈ ગઈ છે. જો તેમાં કંઈ ખોટું થયું હોવાનું તમે જણાવી ન શકો તો શું કરવું? તમે મેચ જોયો કે નહીં? શું થયું? કંઈ થયું નથી. આગળ ખંડપીઠે હળવા અંદાજમાં કહ્યું હતું કે, તમે આ મેચનો આનંદ લીધો. હવે બીજી મેચનો પણ આનંદ લેજો. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે નાગરિકો પોતાની કોઈપણ ફરિયાદ માટે ચૂંટણીપંચનો સંપર્ક કરવા માટે સ્વતંત્ર છે. અંતમાં અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાણવડમાં રખડતા શ્વાનના હુમલામાં 5 વર્ષનાં બાળકનું મૃત્યુ ઘર પાસે બાળક રમતો હતો અને શ્વાને કર્યો હુમલો : લોકોમાં રોષ April 08, Wed, 2026