• બુધવાર, 08 એપ્રિલ, 2026

દુનિયાનાં શ્વાસ અદ્ધર!

- કયામતની રાત: અલ્ટીમેટમની અવધિ પૂરી, અમેરિકા અને ઈરાનનો મિજાજ ઘાતકી

- ઈરાનને ટ્રમ્પની સૌથી ખતરનાક ધમકી : આજની રાતે એક આખી સભ્યતાનો ખાત્મો થશે : પેઝેશ્કિયને કહ્યું, 1.4 કરોડ લોકો કુરબાની માટે તૈયાર

 

નવી દિલ્હી, તા.7: ઈરાનને પાષાણ યુગમાં પહોંચાડી દેવાની અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 48 કલાકની મહેતલ પૂરી થાય તે પહેલા જ અમેરિકા અને ઈઝરાયલે આજે ઈરાનમાં ભારે તબાહી મચાવતાં ભયાનક હુમલાઓ શરૂ કરી દીધા હતાં. જેમાં ઈરાનની ઓઈલ નિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ એવા ખર્ગ ટાપુને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈરાનનાં મહત્ત્વનાં હાઈવે અને રેલવેનાં પુલો સહિત કુલ પ0 જેટલા ઠેકાણાને પ્રચંડ વિસ્ફોટોથી ખળભળાવી નાખ્યા હતાં. એકબાજુ આ હુમલા ચાલતા હતાં ત્યારે બીજીબાજુ ટ્રમ્પે અત્યાર સુધીની સૌથી ખતરનાક ધમકી આપતાં કહ્યું હતું કે, આજ રાતે એક આખી સભ્યતા ખતમ થઈ જશે. જેને પાછી લાવી શકાશે નહીં. હું આવું ઈચ્છતો નથી પણ કદાચ આવું જ થશે.

અમેરિકા અને ઈઝરાયલની સેનાએ આજે ઈરાનમાં રેલવે સ્ટેશનોથી લઈને પુલોને નિશાન બનાવવા માંડયા હતાં. ઈરાનમાં એકસાથે અનેક ઠેકાણે હુમલો બોલાવી દેવામાં આવતાં દુનિયા સ્તબ્ધ રહી ગઈ હતી. યાહ્યા રેલવે બ્રિજથી લઈને શહરિયારમાં નાગરિકોનાં ઠેકાણાઓ પણ આ હુમલાની ચપેટમાં આવી ગયા હતાં. દરમિયાન ઈરાનની રાજધાની તહેરાનમાં પણ દહેશત ફેલાઈ ગઈ હતી. ઈઝરાયલનાં લડાકૂ જેટ તહેરાનનાં આકાશમાં ભમતા હતાં અને સંખ્યાબંધ ઠેકાણે પ્રચંડ વિસ્ફોટથી ભારે ખાનાખરાબી મચી હતી. ઈઝરાયલે ઈરાનનાં લોકોને ચેતવણી પણ આપી હતી કે 12 કલાક  સુધી ટ્રેનમાં યાત્રા ન કરવી અન્યથા જીવ જોખમાઈ શકે છે.

એકબાજુ ઈરાનનાં બુનિયાદી ઢાંચા ઉપર હુમલા શરૂ કર્યા બાદ અમેરિકાએ ઈરાનનાં ક્રૂડ ઓઈલ નિકાસનાં હબ ખર્ગ દ્વીપને પણ નિશાને લીધો હતો. ખર્ગ ઉપર આજે મોટાપાયે બોમ્બમારો ચલાવવામાં આવ્યો હતો. આ હુમલા ત્યારે કરવામાં આવ્યા છે જ્યારે ટ્રમ્પે આપેલું વીજમથકો અને પુલ ઉડાવવાનું અલ્ટીમેટમ પૂરું થવામાં હતું.

ઈરાન ઉપર અમેરિકા-ઈઝરાયલનાં આક્રમણ વચ્ચે ટ્રમ્પે આપેલી નવી ધમકીથી દુનિયાનાં શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં. ટ્રમ્પે હવે ઈરાનમાં એક આખી સભ્યતા ખતમ કરી નાખવાની ધમકી આપી છે. તેમણે આગળ કહ્યું હતું કે, કંઈક ક્રાંતિકારી કે અદ્દભૂત પણ ઘટિત થઈ શકે છે. બીજીબાજુ ઈરાનનાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું હતું કે, ઈરાનનાં 1.4 કરોડ લોકો મરવા માટે તૈયાર છે. ઈરાનની સુરક્ષા અને અસ્મિતા માટે કુરબાન પણ થઈ શકે છે અને આમાં હું સૌથી પહેલા રહીશ. સામે પક્ષે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ મોટું નિવેદન કરતાં કહ્યું હતું કે, ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે કે, હવે નક્કી ઈરાને કરવાનું છે. વોશિંગ્ટન હવે તહેરાનની પ્રતિક્રિયાની રાહ જુએ છે. જરૂર પડયે અમેરિકા કઠોરમાં કઠોર પ્રતિક્રિયા આપવા માટેની તમામ ક્ષમતા ધરાવે છે.

 

 

 

અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા

 

 

નવી દિલ્હી,તા.7 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે દુનિયા પર પરમાણુ યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડૂમ્સડે પ્લેન તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. જેનાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે.

બોઈંગ ઈ-4ઇ નાઈટવોચને જનરલ ભાષામાં ડૂમ્સડે પ્લેન કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય વિમાન નથી, પરંતુ હવામાં તરતું અમેરિકાનું કમાન્ડ સેન્ટર છે. આ વિમાન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે પરમાણુ વિસ્ફોટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (ઊખઙ) ને પણ સહન કરી શકે છે. કટોકટીના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી આ વિમાનમાંથી જ આખા દેશનું સંચાલન કરી શકે છે અને સૈન્યને આદેશ આપી શકે છે. આ વિમાન સતત ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે કારણ કે તેમાં હવામાં જ ઈંધણ ભરી શકાય તેવી સુવિધા છે. 

સોમવાર, 6 એપ્રિલના રોજ ફલાઈટ ટ્રાકિંગ ડેટા મુજબ, આ વિમાન સવારે 10.17 વાગ્યે નેબ્રાસ્કાના ઓફટ એરફોર્સ બેઝ પરથી ઉડયું હતું. આ એરબેઝ અમેરિકાના પરમાણુ કમાન્ડ સેન્ટરનું મુખ્ય મથક છે. વિમાને આ વિસ્તારમાં ઓછામાં ઓછા 6 ચક્કર લગાવ્યા હતા. જોકે, સત્તાવાર રીતે તેને એક રૂટિન એક્સરસાઇઝ ગણાવવામાં આવી રહી છે, પરંતુ સમયને જોતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઓફટ એરબેઝની આસપાસ નાગરિક હવાઈ ટ્રાફિક ઓછો હોવાથી ત્યાં અવારનવાર આવી તાલીમ થતી હોય છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી શાંતિ મંત્રણાને ઈરાને ફગાવી દીધી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાણવડમાં રખડતા શ્વાનના હુમલામાં 5 વર્ષનાં બાળકનું મૃત્યુ ઘર પાસે બાળક રમતો હતો અને શ્વાને કર્યો હુમલો : લોકોમાં રોષ April 08, Wed, 2026