ગાંધીનગરમાં આયોજિત પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકમાં સર્વસંમતિથી સભ્યો દ્વારા લેવાયો મોટો નિર્ણય
(અમારા
પ્રતિનિધિ તરફથી): અમદાવાદ, તા.7 : ગુજરાતમાં આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે
ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે અત્યંત કડક અને નવા નિયમો જાહેર કરીને
રાજકીય વર્તુળોમાં હડકંપ મચાવી દીધો છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ ની તાજેતરમાં મળેલી
બેઠકમાં પક્ષના હાઈકમાન્ડે કેટલાક એવા નિર્ણયો પર મહોર મારી છે, જેનાથી સ્પષ્ટ થાય
છે કે આ વખતે ‘નો રિપીટ થીયરી’ અને ‘યુવા જોશ’ પર વધુ ભાર મૂકવામાં આવશે.
સૂત્રોના
જણાવ્યા મુજબ પાર્ટીએ ટિકિટ વિતરણ માટે કડક માપદંડો નક્કી કર્યા છે. હવે 60 વર્ષથી
વધુ વય ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવામાં નહીં આવે. પક્ષનું માનવું છે કે નવા લોહીને
સંગઠન અને સરકારમાં સ્થાન આપવું જરૂરી છે. આ નિર્ણયને કારણે અનેક સિનિયર નેતાઓ, જેઓ
દાયકાઓથી પક્ષમાં સક્રિય છે, તેઓ હવે ચૂંટણી મેદાનમાંથી બહાર થઈ જશે. બીજો મહત્વનો નિર્ણય એ છે કે, જે ઉમેદવારો સતત ત્રણ
ટર્મથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની ટિકિટ કાપવામાં આવશે. ભાજપ હાઈકમાન્ડ માને છે કે
એક જ વિસ્તારમાં લાંબા સમય સુધી પ્રતિનિધિત્વ કરવાથી મતદારોમાં ક્યારેક નિરુત્સાહ જોવા
મળે છે. નવા ચહેરાઓને તક આપીને પક્ષ એન્ટી-ઈન્કમ્બન્સીને ખાળવા માંગે છે.
આ
ઉપરાંત પહેલા લેવામાં આવેલા નિર્ણયમાં ફેરફાર કરીને હવે પક્ષના હોદ્દેદારોને ચૂંટણી
લડવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ હોદ્દેદારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં
આવ્યો હતો. સંગઠન પ્રત્યેની વફાદારી અને સ્વચ્છ
છબી ધરાવતા યુવા કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ નવા માપદંડો આગામી ચૂંટણીમાં
ભાજપ માટે કેટલા ફાયદાકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.
ગાંધીનગરમાં
ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં 60 વર્ષથી વધુ વયના, 3 ટર્મથી વધુ ટિકિટ મુદ્દે સભ્યોની
સર્વસંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. આજ અને આવતીકાલે બે દિવસ જિલ્લા પંચાયત, તાલુકા
પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામોને લઈને મંથન કરવામાં આવશે. જ્યારે 9 એપ્રિલે
મનપા ચૂંટણી માટે ઉમેદવારોના નામો પર અંતિમ ચર્ચા થશે.આ નિર્ણયો બાદ સ્પષ્ટ થાય છે
કે પાર્ટી નવી ચહેરાઓને તક આપવા અને સંગઠનને મજબૂત બનાવવા દિશામાં આગળ વધી રહી છે.