• શુક્રવાર, 27 માર્ચ, 2026

જામનગર : પુત્રના મિત્રએ જ કરી મહિલાની હત્યા

અનૈતિક સંબંધોમાં ગળાટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી, બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા બનાવ પ્રકાશમાં આવ્યો

(ફૂલછાબ ન્યુઝ)

જામનગર, તા.26 : શહેરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રામનવમીના પવિત્ર દિવસે એક હત્યાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગત 23મી માર્ચથી ગુમ થયેલી 40 વર્ષીય પરપ્રાંતીય મહિલા રીન્કી દેવી કઠેરિયાની તેના જ પુત્રના મિત્રએ ગળાટૂંપો દઈ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મથુરાની વતની અને જામનગરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતી રીન્કી દેવી 23 માર્ચથી ગુમ હતી. તેનો પુત્ર રોહિત અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન 26 માર્ચની સવારે પડોશમાં રહેતા વિજય ઓડિચના કાકાના બંધ મકાનમાંથી ભારે દુર્ગંધ આવતા પોલીસે તપાસ કરી હતી, જ્યાંથી રીન્કી દેવીનો મૃતદેહ એક કોથળામાં ભરેલી હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી વિજય ઓડિચ મૃતકના પુત્રનો મિત્ર હોવાથી ઘરે અવરજવર ધરાવતો હતો. બન્ને વચ્ચેના સંબંધો બાદ રીન્કી દેવી પૈસાની માગણી કરી પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતી હતી. આ બ્લેકમાલિંગથી કંટાળી વિજયે તેને બંધ મકાનમાં બોલાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

 હત્યા કર્યા બાદ આરોપી વિજય સતત રીન્કીના પુત્ર સાથે રહી તેને શોધવાનું નાટક કરતો રહ્યો હતો. જોકે, સીટી સી-ડિવિઝન પોલીસે જીણવટભરી તપાસ બાદ આરોપી વિજય ઓડિચની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક