• શુક્રવાર, 27 માર્ચ, 2026

ગરમી ઘટશે : કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી

તા.28 અને 29 માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી : 30 થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, અમદાવાદ

તા.26 : માર્ચ મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. માસના પ્રારંભે આકરી ગરમી અને ત્યાર બાદ કરા સાથે માવઠું વરસ્યું. ત્યાર બાદ છેલ્લા કેટલાક દિવસથી ધીમે-ધીમે ગરમીમાં વધારો થઇ રહ્યો છે અને ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી રહ્યો છે ત્યારે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ફરી ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ ખાસ કરીને  કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. હાલમાં બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતના વાતાવરણ પર અસર કરશે. આ સિસ્ટમના કારણે જ માર્ચના અંતમાં કમોસમી વરસાદી માહોલ સર્જાશે. હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી પણ જાહેર કરી છે, આગાહી દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપી છે. ગરમીની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.9 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 38, રાજકોટમાં 38.3 ડિગ્રી, અને ગાંધીનગરમાં 37.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક