મધ્યપૂર્વના યુદ્ધને લીધે નિકાસના કામકાજ સ્થગિત થતાં ભયંકર સુસ્તીનો માહોલ
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,
તા.26 : મધ્યપૂર્વનું યુદ્ધ સૌરાષ્ટ્રના જીરુંના ખેડૂતોને પણ નડી રહ્યું છે. ઉંઝા મંડીમાં
જીરાનો વેપાર ભલે થાય પણ સૌરાષ્ટ્રમાં પાકતું જીરૂ શ્રેષ્ઠ હોય છે. મગફળી સિવાય તમામ
જણસીના ભાવથી નિરાશ થયેલા ખેડૂતોને ઓછાં પાકને લીધે જીરૂના ભાવ મળવાની આશા હતી. જોકે
યુદ્ધને લીધે નિકાસ માટે મહત્ત્વનો માર્ચ મહિનો પસાર થઇ જતા હવે ચિંતા વધી છે.
માર્ચ
અને એપ્રિલ મહિના દરમિયાન આશરે 50-55 હજાર ટન જીરૂ ભારતમાંથી નિકાસ થતું હોય છે. જોકે
અત્યારે માર્ચ મહિનો પૂરો થવાં આવ્યો છે ત્યારે માંડ 10-12 હજાર ટન નિકાસ થઇ હોવાની
ધારણા નિકાસકારોએ વ્યક્ત કરી હતી. મધ્યપૂર્વમાં થતી નિકાસ સંપુર્ણપણે અવરોધાઇ ગઇ છે,
જોકે બાકીના પ્રદેશોમાં થતી નિકાસમાં જથ્થો ઓછો હોવાથી મુશ્કેલી પડી છે. ઉંઝાના એક નિકાસકાર જણાવે છે કે, યુદ્ધ પૂરું થાય
તેની સર્વત્ર રાહ જોવાય છે પણ કોઇ સંકેત ઇરાન કે અમેરિકા તરફથી સ્પષ્ટપણે મળતા નથી.
એ કારણથી મધ્યપૂર્વ સિવાય પણ જ્યાં જીરું નિકાસ થાય છે ત્યાં ખૂબ સાવચેતીપૂર્વણક કામકાજ
કરવા પડે છે. યુરોપ અને બાંગ્લાદેશ સિવાય ખાસ સોદા નથી બન્ને સ્થળે પરચૂરણ કામકાજ થાય
છે. ચીનની માગ ગયા વર્ષની માફક આ સાલ હજુ શરૂ થઇ નથી.
માર્ચ
અંતને લીધે માર્કેટ યાર્ડ બંધ થઇ ગયા છે એટલે સોદા ઠપ છે. ગુજરાતમાં રોજ 60-70 હજાર
ગુણી આવક બંધ પૂર્વે થઇ હતી. મસાલાવાળાની સ્થાનિક માગ સારી છે જે આવકનો જથ્થો ઉપાડી
શકે તેમ નથી. નિકાસ થાય તો પુરવઠો કપાય જાય. ઉંઝામાં ખાનગીમાં સારાં માલનો ભાવ રૂ.4000-4300,
મધ્યમનો ભાવ રૂ. 3900-4000 અને હલકાંનો ભાવ રૂ. 3600-3900 ચાલી રહ્યો છે. જ્યારે સીંગાપોર
વેરાઇટીમાં મુંદ્રા પહોંચ અર્ધા ટકામાં રૂ. 4440, એક ટકામાં રૂ.4390 અને બે ટકામાં
રૂ. 4340 હતા. ચાલુ સપ્તાહે ભાવ તૂટયા પછી ફરી વધીને સ્થિર થયાં એટલે રાહત છે પણ કિસાનો
ભારે નિરાશ છે. યુદ્ધ અટકે તો ભાવમાં પ્રિંગ જેવો ઉછાળો પણ આવી શકે છે.
અન્ય
એક નિકાસકારે કહ્યું કે, જીરું યુરોપ અને અમેરિકામાં પણ વૈકલ્પિક ધોરણે મોકલી આપીએ,
જોકે એ આપણી પરંપરાગત માર્કેટ નથી એટલે જથ્થો મર્યાદિત જ જવાનો છે. વળી, ભાડાં તો ખૂબ
ઉંચા છે જ અને જોખમ ભારોભાર છે એટલે સાહસ કરવા જેવી સ્થિત સર્જાય છે.