ફટાકડાના તણખાથી આગ લાગી હોવાની આશંકા : ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
(ફૂલછાબ
ન્યૂઝ)
ઉના
તા.26 : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર દરિયાકાંઠે ગુરૂવારે બપોરના સુમારે
આગની એક મોટી ઘટના બની હતી. રામનવમીના તહેવારની ઉજવણીના ભાગરૂપે નીકળેલી શોભાયાત્રા
પૂર્ણ થયા બાદ તુરંત જ દરિયાકાંઠે લાંગરેલી ચારથી વધુ નાની બોટોમાં અચાનક આગ ફાટી નીકળી
હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના
ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ અને
નાસભાગ મચી ગઈ હતી.
પ્રાપ્ત
વિગતો અનુસાર, રામનવમી નિમિત્તે નવાબંદરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ કાર્યક્રમ સંપન્ન થયાના થોડા જ સમય બાદ દરિયાકાંઠે પડેલી બોટોમાં અચાનક આગ
ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકો એકઠા થઈ ગયા
હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગને
વધુ પ્રસરાતી અટકાવી હતી. જોકે, ત્યાં સુધીમાં લગભગ ચાર જેટલી બોટો આગની ઝપટમાં આવી
ગયાનું અનુમાન છે. આગ લાગવાનું સચોટ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન
મુજબ શોભાયાત્રા દરમિયાન કરવામાં આવેલી આતશબાજી કે ફટાકડાનો કોઈ તણખો બોટ પર પડવાને
કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રબળ આશંકા છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ
થઈ નથી, પરંતુ બોટ માલિકોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. બનાવની જાણ થતા જ સ્થાનિક
પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આગ લાગવાના મૂળ કારણો શોધવા માટે
તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.