• મંગળવાર, 10 માર્ચ, 2026

ઘઉંનું ઉત્પાદન 48 લાખ ટન થવાનો અંદાજ

બટાટાનો પાક 54.47 લાખ ટન રહેશે, ગુજરાતનો બીજો આગોતરો અંદાજ જાહેર

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.9 માર્ચ: ગુજરાતમાં ઘઉં, બટાટા, ચણા, લસણના ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ છે. કૃષિ વિભાગ પાસેથી મળેલી બીજા આગોતરા પાક ઉત્પાદન અંગેની માહિતી પ્રમાણે વાવેતર વિસ્તારમાં થયેલો વધારો અને ઉત્પાદકતામાં નજીવી વૃદ્ધિ દેખાતા પાક ઉત્પાદન વધારે આવશે.

બીજા અંદાજમાં ગુજરાતમાં 48.55 લાખ ટન ઘઉં પાકશે તેવી ધારણા વ્યક્ત કરાઇ છે. જે ગયા વર્ષના 44 લાખ ટન કરતા 10 ટકા જેટલું વધારે છે. શિયાળુ સીઝન દરમિયાન કુલ 14.73 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતુ. અગાઉના વર્ષમાં વાવેતર 13.70 લાખ હેક્ટર હતુ. આમ એક લાખ હેક્ટરનો વધારો ઉત્પાદનને અસર કરી રહ્યો છે. ગુજરાતમાં નવા ઘઉંની આવકનો આરંભ પંદર વીસ દિવસથી થઇ ચૂક્યો છે. હવે આવક એક લાખ ગુણીના મથાળે પહોંચી ચૂકી છે. જોકે આ વર્ષે સમગ્ર દેશના ઉત્પાદનમાં વ્યાપક વૃધ્ધિનો અંદાજ છે.

બીજી તરફ બટાટાનું વાવેતર દસેક હજાર હેક્ટર જેટલું વધારે થતા 54.47 લાખ ટન બટાટા પાકવાનો અંદાજ છે. ગયા વર્ષમાં 50.80 લાખ ટનનો પાક થયો હતો.

ચણાનું ઉત્પાદન ગુજરાતમાં 16.53 લાખ ટન થવાની ધારણા છે. વાવેતર વિસ્તારમાં વધારો થયા પછી ઉત્પાદનનો આંકડો પણ ઉંચો આવ્યો છે. અલબત્ત વાવેતરને લીધે જ ઉત્પાદન વધશે. કારણકે ઉત્પાદકતા ઘટી હોવાના સરકારી આંકડાઓ છે. ગયા વર્ષે 1840 કિલો પ્રતિ હેક્ટર ઉતારો હતો તેની સામે આ સાલ 1812 હેક્ટર ઉત્પાદકતા છે. વાવેતર ગયા વર્ષ કરતા 63 હજાર હેક્ટર વધારે થયું હતું.

રાયડાનું ઉત્પાદન 5.14 લાખ ટન સામે 5.65 લાખ ટન રહેવાની ધારણા છે. બીજી તરફ મસાલા પાકોમાં વરિયાળી, ધાણા, જીરુંનું ઉત્પાદન ઘટશે. લસણના ઉત્પાદનમાં થોડો વધારો થશે જ્યારે ડુંગળીનો પાક ઘટશે.

શિયાળુ રોપલીનું વાવેતર ઘટવાને લીધે 28.37 લાખ ટન સામે 26.26 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. લસણનો પાક 1.09 લાખ ટન સામે 1.21 લાખ ટન આવી શકે છે. સરકારી આંકડાઓમાં વરિયાળીનું ઉત્પાદન 16 લાખ ગુણી સામે આ સાલ 14.51 લાખ ગુણી આવવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. જીરુંનું ઉત્પાદન 74 લાખ ગુણી સમે 60 લાખ ગુણી આવશે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. અલબત્ત, વેપારી વર્ગે 45 લાખ ગુણી કરતા વધારે ધારણા રાખી નથી. ધાણાનું ઉત્પાદન 40 સામે 38.72 લાખ ગુણી રહેશે તેવું અનુમાન બીજા આગોતરા અંદાજમાં મૂકવામાં આવ્યું છે.

ગુજરાતમાં અત્યારે ધાણાની ચિક્કાર આવક થઇ રહી છે. જીરુંની આવક પણ વધવા લાગી છે. નવું લસણ, ચણા અને ઘઉં પણ હવે વ્યવસ્થિત આવવા લાગ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક