ઈ-મેઇલથી ફફડાટ ફેલાયો, કોર્ટ પરિસર ખાલી કરાવીને બોમ્બ અને ડોગ સ્ક્વોડે સઘન ચાકિંગ કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.9 : ગુજરાતમાં સરકારી
કચેરીઓ તથા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. સપ્તાહના પ્રથમ
દિવસે જ ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની ત્રણ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ
મચી ગયો હતો. સોલા સ્થિત ગુજરાત હાઈકોર્ટ ઉપરાંત ગ્રાહક કોર્ટ અને નવરંગપુરામાં આવેલી
ગ્રામ્ય કોર્ટને બોમ્બની ધમકીનો ઈ-મેઇલ મળ્યો હતો.
આજરોજ સવારમાં કોર્ટની કાર્યવાહી
રાબેતા મુજબ શરૂ થઈ હતી. વિવિધ કેસને લઈને જજો, વકીલો અને પક્ષકારો પણ કોર્ટમાં હાજર
રહ્યા હતા. ત્યારે જ ગુજરાત હાઈકોર્ટને ઈ-મેઇલથી બોમ્બથી ઉડાવવાની ધમકીના અહેવાલ મળ્યા
હતા. જેને પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ આવી પહોંચી હતી. બોમ્બની ધમકીના ઈ-મેઇલના
સમાચાર વાયુવેગે ફેલાતાં કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક કોર્ટ બિલ્ડિગ
ખાલી કરી દેવાયું હતું. કોર્ટમાં ખૂણેખૂણામાં સઘન તપાસ હાથ ધરાઈ હતી પરંતુ કંઈ સંદિગ્ધ
વસ્તુ મળી નહતી.