(ફૂલછાબ ન્યૂઝ)
ઉના,તા.9 : ભ્રષ્ટાચાર વિરોધી
ઝુંબેશ અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોએ સોમવારે વધુ એક મોટી સફળતા મેળવી છે. ગીર સોમનાથ
જિલ્લાની ઉના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સિટી તલાટી અને એક આઉટસોર્સ પટાવાળાને જમીન
સંબંધી કામગીરી માટે રૂ. 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. સરકારી
કચેરીમાં જ થયેલી આ કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક અરજદારના
પિતા અને કાકાના નામે ઉનામાં આવેલી જમીનના એકત્રીકરણની કામગીરી બાકી હતી. આ સરકારી
પ્રક્રિયા કરી આપવાના બદલામાં સિટી તલાટી જીગ્નેશ બાંભણીયાએ કુલ રૂ. 60,000ની લાંચની
માંગણી કરી હતી. આ રકમ પૈકી રૂ. 10,000 અગાઉ જ સ્વીકારી લેવામાં આવ્યા હતા. જોકે, બાકીના
રૂ. 50,000 આપવા અરજદાર તૈયાર ન હોવાથી તેમણે આ અંગે અઈઇનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી
હતી.
ફરિયાદના આધારે દ્વારકા અઈઇના
પી.આઈ. એસ.સી. શર્મા અને તેમની ટીમે સોમવારે બપોરે ઉના મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવ્યું
હતું. પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ, જ્યારે અરજદાર બાકીના રૂ. 50,000 આપવા પહોંચ્યા
ત્યારે સિટી તલાટી જીગ્નેશ બાંભણીયાએ પોતે નાણાં ન સ્વીકારતા ઓફિસમાં હાજર આઉટસોર્સ
પટાવાળા રાકેશ મજીઠીયાને રકમ લેવા જણાવ્યું હતું. જેવા જ પટાવાળાએ લાંચના નાણાં સ્વીકાર્યા,
કે તરત જ સતર્ક એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ દબોચી લીધા હતા. એસીબીએ સ્થળ
પરથી લાંચની પૂરેપૂરી રકમ કબજે કરી છે.
હાલમાં એસીબી દ્વારા બંને આરોપીઓની
અટકાયત કરવામાં આવી છે અને તેમને ઉના સર્કિટ હાઉસ ખાતે લઈ જઈને આગળની સઘન પૂછપરછ હાથ
ધરવામાં આવી છે. જાહેર કચેરીમાં ધોળે દિવસે લાંચ લેતા કર્મચારીઓ ઝડપાતા સમગ્ર પંથકમાં
આ ઘટના ચર્ચાનો વિષય બની છે.