• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

કાલે રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર સ્પર્ધકને જ ચેસ્ટ નંબર અપાશે

સિવિલ હોસ્પિટલ ખાતે સ્પર્ધકોના ફિટનેસ ટેસ્ટ, આજે સ્પર્ધકો સહિત 800 લોકોને સીપીઆર તાલીમ અપાશે

જૂનાગઢ, તા.30 : રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર અવરોહણ સ્પર્ધા યોજાશે. ગુલાબી ઠંડીમાં 12 રાજ્યના 541 સ્પર્ધકો ગીરનાર સર કરવા દોટ મુકશે. અન્ય રાજ્યોમાંથી આવેલા સ્પર્ધકોના ફિટનેસ સર્ટિફિકેટ બાદ જ સ્પર્ધામાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલે સ્પર્ધકોનું ફિટનેસ ટેસ્ટ કરાશે. શ્વાસ અને હૃદય રોગના બનાવોને ધ્યાને લઈ આવતીકાલે બપોરે સ્પર્ધા સાથે સંકળાયેલા 800થી વઘુ સભ્યોને સીપીઆર તાલીમ અપાશે.

યુવાઓના જોમ અને જુસ્સાને પડકારતી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાઈઓ માટે 5500 પગથિયા અને બહેનો માટે 2200 પગથિયા ચડવા ઉતરવાના રહેશે. ચારેય કેટેગરીમાં કુલ 12 રાજ્યના 541 સ્પર્ધકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભાગ લેવા આવનાર સ્પર્ધકોએ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત છે. અન્ય રાજ્યમાંથી સ્પર્ધકો ભાગ લેવા પહોંચી ગયા છે, જેથી સ્પર્ધાની પૂર્વ તૈયારી રૂપે સિવિલ હોસ્પિટલ ખાતે ભાગ લેનાર સ્પર્ધકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આવતીકાલ સુધીમાં ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ બપોર સુધીમાં તમામ સ્પર્ધકોએ રિપોર્ટિંગ કરાવવાનું રહેશે અને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર સ્પર્ધકોને ચેસ્ટ નંબર આપવામાં આવશે.

ભવનાથ પ્રવાસન ધામ છે છતાં પણ ત્યાં રિપોર્ટ માટેની મેડિકલ સુવિધા પ્રાપ્ય થાય તેવી સુવિધા ન હોવાથી અન્ય રાજ્યના સ્પર્ધકોને સિવીલ હોસ્પિટલ સુધી જવા મજબૂર થવું પડે છે. ભવનાથ તળેટીમાં મનપા સંચાલિત નાકોડા આરોગ્ય કેન્દ્ર છે પરંતુ ત્યાં માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર થઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં પણ સ્પર્ધકોને વિવિધ ટેસ્ટ કર્યા બાદ રિપોર્ટ મેળવવા સમય વેડફાય છે. નેતાઓ અને બાબુઓના આગમન (જુઓ પાનું 10)

સમયે તાબડતોબ મિની હોસ્પિટલ ઉભી થઈ જાય છે પરંતુ સ્પર્ધકો માટે કોઈ વ્યવસ્થા જ ન હોવાથી ભવનાથ તળેટીથી સિવિલ હોસ્પિટલના પાંચ કિલોમીટર અવર-જવર માટે સ્પર્ધકોને ધક્કા થઈ રહ્યા છે. આવતીકાલે ભવનાથ તળેટી ખાતે તમામ સ્પર્ધકોનું રિપોર્ટિંગ પૂર્ણ થયા બાદ ચેસ્ટ નંબર અને ટીશર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ બપોરે મંગલનાથ બાપુના આશ્રમે સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકો, વ્યાયામ શિક્ષકો, ટ્રેનરો અને કર્મીઓ મળી કુલ 800થી વધુ લોકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક