અમદાવાદ, તા.30 : યાત્રાધામ અંબાજીમાં આજથી ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે. રાજ્યના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુક્યો છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવ 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. લાખો શ્રદ્ધાળુઓ આ દિવ્ય પરિક્રમાનો લાભ લેવા માટે અંબાજી પહોંચી રહ્યા છે.
ગબ્બર પર્વત પર 2.5 કિલોમીટર
લાંબા પરિક્રમા માર્ગ પર અંદાજે રૂ.62 કરોડના ખર્ચે ભારત સહિત વિદેશોમાં સ્થિત તમામ
51 શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અહીં પાકિસ્તાન, નેપાળ,
તિબેટ અને બાંગ્લાદેશમાં આવેલા મૂળ શક્તિપીઠોના દર્શન એક જ સ્થાને કરી ધન્યતા અનુભવે
છે. આજે પ્રથમ દિવસે ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રા સાથે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
થયો છે. આવતીકાલ તા.31ને શનિવારે પવિત્ર ‘શક્તિ યાગ’ અને ત્રિશુલ યાત્રાનું આયોજન કરવામાં
આવશે, સાથે જ પરિક્રમા સ્પર્ધા પણ યોજાશે જ્યારે તા.1 ફેબ્રુઆરીને રવિવારે જ્યોત યાત્રા
અને મશાલ યાત્રા સાથે મહોત્સવનું ભક્તિમય સમાપન થશે. યાત્રાળુઓની સુવિધા માટે સમગ્ર
ગબ્બર પર્વતને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો છે. ભક્તો માટે અંબિકા ભોજનાલય, જીએમડીસી
અને આર્ટસ કોલેજ સહિતના વિવિધ સ્થળોએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર
માર્ગ પર પાણી, છાંયડો અને સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.