ગોંડલ, અમરેલી, તા.30 : ગોંડલ આટકોટ હાઇવે પર શુક્રવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યાક્તિના મૃત્યુ નીપજ્યા હતા. પૂરઝડપે જઈ રહેલી કાર પુલ નીચે ખાબકતા અગનગોળો બની ગઈ હતી જેમાં બે શિક્ષિકા અને એક શિક્ષક જીવતા ભુંજાઈ ગયા હતા, આ હૃદય દ્રાવક ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી, જ્યારે બીજા એક બનાવમાં અમરેલી બગસરા રોડ પર હામાંપુર પાસે મોપેડ અને સ્કૂટર સામસામે ધડાકા ભેર અથડાતા બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી આ બન્નેના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા આમ અકસ્માતની બે ઘટનામાં કુલ પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા.
પ્રાપ્ત
વિગતો મુજબ, મોટા માંડવા-દડવા વચ્ચે પૂરપાટ ઝડપે જતી કાર પુલની રાલિંગ તોડીને સીધી
નીચે પટકાઈ હતી. કાર પટકાતાની સાથે જ તેની ફ્યુઅલ ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. અકસ્માતે
લાગેલી આગ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર છોટાઉદેપુરની સાંઇસીટી સોસાયટીમાં રહેતા
આશાબેન સત્યપાલ ચૌધરી (ઉં.47) , નીતાબેન ચૌધરી (ઉં.42) અને પ્રયાગ બારિયા (ઉં.33) ને
બહાર નીકળવાની તક પણ મળી નહીં ને આગે મુસાફરોને ચપેટમાં લઈ લેતા ત્રણેય મુસાફર બળીને
ખાક થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે મૃજહ આશાબેન સત્યપાલ ચૌધરી (ઉં.47)
નો પુત્ર હેત ગોંડલ સ્વામીનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતો હોઈ તેની તબિયત લથડતા પરિવાર
પોતાનાં વતનથી પુત્રને લેવા માટે આવતા હતાને રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. કરુણાંતિકા
સર્જાઈ હતી.
ઘટનાની
જાણ થતા જ ગોંડલ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ
પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને
પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે
આટકોટ પોલીસ મથકના પી.આઇ. સાકરિયા તપાસ ચાલવી રહ્યા છે.
જ્યારે
બીજા બનાવમાં ધારી બગસરા રોડ પર હામાપુર નજીક પસાર થઈ રહેલા બાઇક અને મોપેડ વચ્ચે ગંભીર
અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રવીણ વલ્લભદાસ અને દીનુ બલોચને ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત હાલતમાં બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર
કારગત નીવડે તે પહેલાં બન્ને યુવકનું મૃત્યુ થયું હતું અને અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર
રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેને સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે સારવાર માટે અમરેલી સિવિલ
હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી પોલીસે
બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.