• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

જલાલપર સહકારી બેંકના કેશિયરે રૂ. 2 કરોડની ઉચાપત કરી

            એકાવન ખાતેદારોને વિશ્વાસમાં રાખી ખાતામાંથી પૈસા ઉપાડી લેતા નોંધાઈ ફરિયાદ

ગઢડા, તા.29: ગઢડા(સ્વામીના) તાલુકાના જલાલપર ગામે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક સહકારી બેંકની શાખામાંથી કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બેંક કામગીરી માટે પોતાને મળેલા આઈ.ડી. - પાસવર્ડનો દુરુપયોગ કરીને એકાવન જેટલા બેંક ખાતેદારોના ખાતામાંથી પોતાની પત્નીના ખાતા સહિત જુદા જુદા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લેતા ખાતેદારોના ધ્યાન ઉપર આવતા થયેલી ફરિયાદ અને તપાસના અંતે આશરે રૂપિયા બે કરોડ ચૌદલાખ નવ્વાણું હજાર જેવી માતબર રકમની ઉચાપત થઈ હોવાની હકીકત બહાર આવતા ભારે ચકચાર વચ્ચે ધોરણસરની પોલીસ ફરિયાદ ઢસા પોલીસ મથકે નોંધાવામાં આવી છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગતો અનુસાર બેંકના કેશિયર આનંદકુમાર પોપટભાઈ સગર દ્વારા અન્ય ગ્રાહકોના ખાતામાથી રકમ ઉપાડી લઈ પોતાના ઢસા જંક્શન બ્રાન્ચનાં ખાતામા તેમજ જલાલપુર શાખાના કેશ ક્રેડીટ ખાતામાં તેમજ તેમનાં પત્ની જાગૃતિબેન ભુપતભાઈ વઢેળના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા છથી આઠ મહિના દરમિયાન શરૂ કરેલી ઉચાપત પછી ખાતેદાર એન્ટ્રી પાડવા આવે તો પ્રિન્ટર ખરાબ હોવું વગેરે ખોટા બહાના કાઢી મૌખિક રીતે ખાતેદારોના ખાતામાં કેટલું બેલેન્સ છે એ પોતાની યાદી પ્રમાણે જણાવીને ખાતેદારોનો વિશ્વાસમાં રાખી પોતાના કરતૂત ઉપર ઢાંકપીછોડો કરી રાખ્યો હતો. જેના કારણે કેશિયર આનંદકુમારે કોમ્પ્યુટર સીસ્ટમ સાથે ચેડા કરેલા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું આ સમગ્ર ઉચાપત પ્રકરણે બેંક તરફથી ભોગ બનેલા તમામ ખાતેદારોના પૂરેપૂરા રૂપિયા વહેલી તકે પરત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક