• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

સબાલેંકા અને રાયબાકિના ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં

સ્વિતોલિનાને હાર આપી સબાલેંકા ચોથીવાર અને પેગુલાને હાર આપી રાયબાકિના બીજીવાર ફાઇનલમાં

 

મેલબોર્ન, તા.29: વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ખિતાબી મુકાબલામાં નંબર વન આર્યના સબાલેંકા અને નંબર 3 એલિના રાયબાકિના આમને-સામને હશે. આજે રમાયેલા સેમિ ફાઇનલમાં યુક્રેનની એલિના સ્વિતોલિના અને અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા હારીને ઓસ્ટ્રેલિયન ઓપનની બહાર થઈ છે.

વિવાદાસ્પદ પ્રથમ સેમિ ફાઇનલમાં બેલારૂસીની નંબર વન ખેલાડી આર્યના સબાલેંકાનો ફક્ત 1 કલાક 16 મિનિટની રમતના અંતે યુક્રેનની વિશ્વ નંબર 12 ખેલાડી એલિના સ્વિતોલિના વિરુદ્ધ 6-2 અને 6-3થી શાનદાર વિજય થયો હતો અને ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં ચોથીવાર જગ્યા બનાવી હતી. સબાલેંકા અહીં 2023 અને 2024માં ચેમ્પિયન રહી ચૂકી છે.

જ્યારે મહિલા સિંગલ્સના બીજા સેમિ ફાઇનલમાં અમેરિકાની વિશ્વ નંબર 6 જેસિકા પેગુલા સામે કઝાકિસ્તાનની વિશ્વ નંબર 3 ખેલાડી એલિના રાયબાકિનાનો 6-3 અને 7-6થી વિજય થયો હતો. તેણીએ વર્ષ 2023 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રાયબાકિના 2022માં વિમ્બલ્ડન ટ્રોફી જીતી ચૂકી છે.

પુરુષ વિભાગના સેમિ ફાઇનલમાં નોવાક જોકોવિચ સામે યાનિક સિનર હશે જ્યારે કાર્લોસ અલ્કરાજનો સામનો એલેકઝાંડર જેવરેવ વિરુદ્ધ થશે. આ બન્ને મેચ શુક્રવારે રમાશે.

 

વિવાદ:  સબાલેંકા-સ્વિતોલિનાએ હાથ મિલાવ્યા નહીં

ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સના પ્રથમ સેમિ ફાઇનલમાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. બેલારૂસની એરિના સબાલેંકા અને યૂક્રેનની એલિના સ્વિતોલિનાએ એક-બીજા સાથે હાથ મિલાવ્યા ન હતા અને સાથે તસવીર પણ ખેંચાવી ન હતી. પાછલા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. સબાલેંકા બેલારૂસ દેશની છે. તેણીનો દેશ રશિયાની સતત પડખે રહે છે. રિપોર્ટ અનુસાર સાથે ફોટો પાડવાનો સ્વિતોલિનાએ ઇન્કાર કરી દીધો હતો. આ પછી સબાલેંકાએ બોલ ગર્લ સાથે તસવીર ખેંચાવી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનમાં હેન્ડશેક વિવાદ પહેલીવાર થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક