પૂર્વ ઉપરાષ્ટ્રપતિનાં નિવેદન બાદ ભાજપના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર
નવી
દિલ્હી, તા. 30 : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના એક નિવેદને રાજનીતિક વિવાદ શરૂ
કર્યો છે. અંસારીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પુસ્તકોમાં જે વિદેશી આક્રાંતાઓ
અને લુટેરાઓને બતાવવામાં આવ્યા છે તેઓ હકીકતમાં ભારતીય લુટારુ હતા. જેમાં તેઓએ મહમૂદ
ગઝનવીનું ઉદાહરણ આપ્યું હતું અને ગઝનવીને પણ ભારતીય ગણાવી દીધો હતો. આ નિવેદન બાદ ભાજપ
દ્વારા કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા. અંસારીનાં નિવેદન ઉપર ભાજપના રાષ્ટ્રીય
પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિનુ ંવક્તવ્ય દેશના ઈતિહાસ
અને ભાવનાઓનું અપમાન છે. આવા વિચાર પૂરા દેશની
બદનામીનું કારણ બને છે. ભાજપના અન્ય નેતા શહઝાદ પુનાવાલાએ કહ્યું હતું કે, કોંગ્રેસ
અને તેના સમર્થકો મંદિરો નષ્ટ કરનારા લોકોનું મહિમામંડન કરે છે. ગઝનવીએ સોમનાથ મંદિર
તબાહ કર્યું હતું, તેમ છતાં તેની પ્રશંસા થઈ રહી છે. પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ ઉપર આરોપ
મૂક્યો હતો કે તે ઈતિહાસને તોડી મરોડીને બતાવે છે અને આક્રાંતાઓનાં કૃત્યોને નજરઅંદાજ
કરે છે. તેમણે કોંગ્રેસને આધુનિક મુસ્લિમ લીગ પણ ગણાવી હતી. હકીકતમાં એક વીડિયોમાં
હામિદ અંસારી કહી રહ્યા હતા કે ગઝનવી અને લોધી બહારથી નહોતા આવ્યા પણ ભારતીય લુટારા
હતા.