• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

હિમાચલમાં બરફવર્ષા : 889 માર્ગ અને વીજળી ઠપ

ઉત્તરાખંડમાં રસ્તા પર ચાર ફૂટ સુધી બરફ છવાયો : રાજસ્થાન-યુપી અને બિહારમાં વરસાદની સંભાવના

શિમલા, તા. 29 : પર્વતો પર ભારે બરફવર્ષા અને વરસાદના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે બરફવર્ષા બાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો માઈનસ છ ડિગ્રીથી માઈનસ એક ડિગ્રી વચ્ચે રહ્યો હતો, તો ઉત્તરાખંડમાં સતત બે દિવસથી બરફ પડયા બાદ તડકો જોવા મળ્યો હતો. રાજસ્થાન-યુપી અને બિહારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ હતી.

એક મીડિયા હેવાલ મુજબ, હિમાચલના લાહૌલ-સ્પીતિ જિલ્લાના કુકુમસેરીમાં સૌથી ઓછું તાપમાન માઈનસ 6.1 ડિગ્રી નોંધાયું હતું બરફવર્ષાના કારણે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત કુલ 885 સડક અને ત્રણ હજારથી વધુ વીજળી ટ્રાન્સફોર્મર ઠપ થયા હતા. પાઈપલાઈન વાટે જતું પાણી પણ થીજી જતાં સપ્લાય બંધ છે, જેના કારણે હજારો પરિવારો અસરગ્રસ્ત થયા હતા. બીજી તરફ ઉત્તરાખંડમાં બે દિવસ સુધી બરફ પડયા બાદ ગુરુવારે તડકો જોવા મળ્યો હતો. અલબત્ત, બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રીમાં માર્ગો પર હજુ પણ ત્રણથી ચાર ફૂટ સુધી બરફ જોવા મળી રહ્યો છે. ચમોલીના ઔલીમાં બુધવારે અંદાજિત બે ફૂટ સુધી બરફ છવાયો હતો. રાજ્યમાં એલર્ટ જારી કરાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક