મોટા ભાગનાં શહેરોમાં 3 થી 7 ડિગ્રીનો ઘટાડો : નલિયામાં 5 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી : ગિરનાર 7, અમરેલી 9.4, રાજકોટ 9.5, ભુજ 9.8 ડિગ્રી તાપમાન : હજુ બે દિવસ ઠંડી યથાવત્ રહેશે
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ તા.24 : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગત રોજથી જ અનુભવાઇ રહી છે. ઉતર ભારતમાં ભારે હિમવર્ષાનાં
પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સુસવાટા મારતા બર્ફીલા પવનોએ કારણે લોકો ઠુઠવાયા હતા.
સાથોસાથ સવારનું તાપમાન પણ 2થી 5 ડીગ્રી ગગડી જતા લોકો ગાત્રો થીજાવતી ઠંડી અનુભવાઇ
હતી. રાજકોટ, નલિયા, અમરેલી, ડિસા અને ભુજમાં સિંગલ ડીજીટ તાપમાન નોંધાયુ હતું. ખાસ
કરીને કચ્છના નલિયામાં પારો ગગડીને 5 ડિગ્રી પર પહોંચતાં એ સિઝનનું સૌથી ઠંડું સ્થળ
બન્યું છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીમાં
ત્રણેક દિવસ રાહત મળ્યા બાદ ગઇકાલે માવઠા બાદ સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે
અને સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થતા લોકો સવારથી જ ગરમ
કપડામાં વિંટળાયેલા જોવા મળ્યા હતા. જયારે આબુમાં -7 ડિગ્રી તાપમાન વચ્ચે બરફની ચાદર
છવાઇ હતી. ગુજરાતમાં એકમાત્ર ઓખાને બાદ કરતા મોટાભાગના સ્થળોએ તાપમાનનો પારો 13 ડીગ્રી
નીચે સરકી ગયો છ. ઉપરાંત્ત 6 થી 10 કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાઇ રહયો હોવાથી લોકો હાડ
થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે પણ આજથી કાતિલ ઠંડીના રાઉન્ડની
આગાહી કરી છે.હિમાલયમાં થયેલી હિમવર્ષાના કારણે આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની આગાહી
કરવામાં આવી છે. જે મુજબ 26 જાન્યુઆરી સુધી હજુ ઠંડી જળવાઇ રહેશે.
જામનગર: છેલ્લા બે દિવસથી હવામાનમાં
પલટો આવ્યો હતો, અને સુસ્વાટા મારતા બરફીલા ઠંડા પવને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું
છે. વહેલી સવારે પણ લોકોની ઓછી હાજરી જોવા મળે છે, અથવા તો ગરમ વસ્ત્રોમાં જ લપેટાઈને
નીકળવાનું લોકો પસંદ કરી રહ્યા છે. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર
આજે લઘુતમ તાપમાન 12.0 ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેન્ટિગ્રેડ
નોંધાયું છે.
જૂનાગઢ: વરસાદી વાતાવરણ વિખેરાતા
અને ભેજનું પ્રમાણ ઘટતા ગતરાતથી કાતિલ ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું છે તાપમાનનો પારો
4 ડિગ્રી ઉતરી જતા જૂનાગઢમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગિરનાર પર્વત પર
તાપમાનનો પારો 7 ડિગ્રીએ પહોંચ્યો છે. પવનની ઝડપ 6.5 કિ.મી. નોંધાતા કાતિલ ઠંડા પવનથી
સર્વત્ર ઠંડાગાર છવાયો છે.
જામનગરમાં બરફીલા ઠંડા પવને શહેરીજનો-પશુ
પક્ષીઓને ધ્રુજાવ્યા
છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં
વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને 30 થી 35 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા
ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે, અને લોકો થરથર કાપી રહ્યા
છે.