સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ભુઈયાંએ એમપી હાઇ કોર્ટના જજની બદલી ઉપર ઉઠાવ્યો સવાલ : ન્યાયપાલિકામાં કાર્યપાલિકાની દખલની આલોચના કરી
નવી દિલ્હી, તા. 24 : હાઇ કોર્ટના
જજની ટ્રાન્સફરને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના વર્તમાન જસ્ટિસ
ઉજ્જવલ ભુઈયાંએ પૂર્વ ન્યાયાધીશ બીઆર ગવઈના કાર્યકાળમાં કરવામાં આવેલા એક કોલેજિયમ
નિર્ણય ઉપર ગંભીર સવાલ કર્યો છે. તેમણે કોલેજિયમ સિસ્ટમમાં કાર્યપાલિકાની દખલની ખુલ્લી
આલોચના કરી છે અને કહ્યું છે કે સરકારને સુવિધાજનક ન હોય તેવા ચુકાદા આપનારા જજની બદલી
કરવાની રીત યોગ્ય નથી. ન્યાયપાલિકાની સ્વતંત્રતા
જ સંવિધાનની મૂળ વિશેષતા છે. જેની સાથે બાંધછોડ કરી શકાય નહીં.
બનાવ મધ્ય પ્રદેશ હાઇ કોર્ટના
જજ જસ્ટિસ અતુલ શ્રીધરનના ટ્રાન્સફર સંબંધિત છે, જેઓને એમપી હાઈ કોર્ટમાંથી અલ્હાબાદ
હાઇ કોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય ઉપર વિવાદ ત્યારે વધ્યો હતો જ્યારે
પૂર્વ સીજેઆઇ બી આર ગવઇએ કહ્યું હતું કે જસ્ટિસ શ્રીધરનની બદલી કેન્દ્ર સરકારના અનુરોધ
ઉપર કરવામાં આવી હતી. જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંએ આ બનાવને કોલેજિયમ નિર્ણયોમાં સરકારના
પ્રભાવનો સાફ સ્વીકાર ગણાવ્યો હતો.
જસ્ટિસ ભુઈયાંએ સવાલ ઉઠાવ્યો
હતો કે કોઈપણ જજને માત્ર એટલે એક હાઇ કોર્ટમાંથી બીજી હાઈ કોર્ટમાં મોકલવામાં આવ્યા
કારણ કે તેને સરકાર માટે અસુવિધાજનક ચુકાદા આપ્યા હોય. તેમણે કહ્યું હતું કે શું આ
પ્રક્રિયાથી ન્યાયપાલિકાની સ્વતંત્રતા પ્રભાવિત નથી થતી ? શું તેનાથી કોલેજિયમ સિસ્ટમની
નિષ્પક્ષતા અને શાખ ઉપર સવાલ નથી થતા.
વધુમાં કહ્યું હતું કે જ્યારે
કોલેજિયમ પોતાના જ પ્રસ્તાવમાં નોંધે છે કે કોઈ જજની બદલી કેન્દ્ર સરકારના કહેવા ઉપર
થઈ છે તો તેમાં સંવૈધાનિક રીતે સ્વતંત્ર માનવામાં આવતી પ્રક્રિયામાં કાર્યપાલિકાની
દખલ ઉજાગર થાય છે. જસ્ટિસ ભુઈયાંએ સાફ કહ્યું હતું કે, હાઇ કોર્ટના જજની બદલી અને પોસ્ટિંગ
પૂરી રીતે ન્યાયપાલિકાનો વિષય છે અને તેમાં સરકારની કોઈ ભૂમિકા હોય શકે નહીં. આ માત્ર
ન્યાયના સારા પ્રશાસન માટે હોવું જોઈએ.
પૂણેની આઈએલએસ લો કોલેજમાં આયોજિત
લેક્ચરમાં બોલતા જસ્ટિસ ભુઈયાંએ કહ્યું હતું કે એનજેએસી ફેસલાનાં માધ્યમથી જ્યારે ન્યાયપાલિકાએ
સરકારની કોલેજિયમ સિસ્ટમને બદલવાની કોશિશને ખારિજ કરી દીધી ત્યારે કોલેજિયમના સભયોની
જવાબદદારી વધે છે કે આ પ્રક્રિયા પૂરી રીતે સ્વતંત્ર રહે. જજોએ સંવિધાનને કોઈ ડર અને
પક્ષપાત વિના નિભાવવાના શપથ લીધા છે અને આ શપથ ઉપર કાયમ રહેવું જોઈએ. ન્યાયપાલિકાની
સ્વતંત્રતા સંવિધાનની મૂળ વિશેષતા છે અને તેના ઉપર કોઈ સમજૂતી કરી શકાય નહીં.