• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

આજે શ્રેણીમાં અજેય બઢતના ઈરાદે ઉતરશે ટીમ ઇન્ડિયા

ન્યુઝિલેન્ડ સામે ગુવાહાટીમાં શ્રેણીનો ત્રીજો T-20 મેચ : કીવી ટીમ કરશે શ્રેણી જીવંત રાખવાની કોશિશ

નવી દિલ્હી, તા. 24 : ન્યુઝિલેન્ડ સામે ભારતે પહેલા બે ટી20 મેચ સરળતાથી જીતી ગયા બાદ હવે શ્રેણીનો ત્રીજો ટી20 મુકાબલો ગુવાહાટીમાં રમાવાનો છે. ભારતીય ટીમ ગુવાહાટીમાં રમાનારા ત્રીજા ટી20 મેચમાં જીત મેળવીને પાંચ મેચની શ્રેણીમાં અજેય બઢત મેળવવાની કોશિશ કરશે. જેમાં સંજુ સેમસનના પ્રદર્શન ઉપર ખાસ નજર રહેશે. ભારતે ગયા મેચમાં બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત માટે મળેલું 209 રનનું લક્ષ્ય સરળતાથી પાર પાડી દીધું હતું. હવે ગુવાહાટીમાં પણ ભારતીય ટીમ પોતાની લયને જાળવી રાખવા માટેનો પૂરતો પ્રયાસ કરશે જ્યારે ન્યુઝિલેન્ડની ટીમ દ્વારા શ્રેણી જીવંત રાખવા માટે મહેનત કરવામાં આવશે.

ટી20 વિશ્વકપ શરૂ થવાને હવે માત્ર બે સપ્તાહનો સમય બચ્યઠો છે અને આ પહેલા ભારતે ન્યુઝિલેન્ડ સામે બાકી બચેલા ત્રણ ટી20 મેચ રમવાના છે. તેવામાં ભારતીય ટીમનું સંયોજન ઘણા અંશે નક્કી લાગી રહ્યું છે. ભારત બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. માત્ર અમુક સ્થળે જ ટીમ ચિંતિત હશે. જેમાં એક સ્થાન સેમસન પાસે છે. ભારતીય ટીમ માટે સંજુ સેમનનું ફોર્મ ચિંતાની વાત છે. ચાલુ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં સંજુ સેમસન પાંચ વખત સસ્તામાં આઉટ થયો હતો. જેમાં જોફ્રા આર્ચર સામે સતત ત્રણ વખત આઉટ થવું સામેલ છે. ન્યુઝિલેન્ડ સામેના પહેલા બે મેચમાં તે માત્ર 10 અને છ રન જ કરી શક્યો છે.

મેચમાં મિચેલ સેંટનરની આગેવાનીની ટીમ અમુક રણનીતિક બદલાવ ઉપર વિચાર કરી શકે છે. તે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ડેરિલ મિચેલને ઉપલા ક્રમમાં બેટિંગ માટે મોકલી શકે છે. ન્યુઝિલેન્ડની સામાન્ય રીતે મજબૂત ગણાતી ફિલ્ડિંગ આ વખતે નિરાશાજનક રહી છે. સેંટનર અને ઈશ સોઢી સહિતના ખેલાડીઓએ ઘણા કેચ છોડયા છે. ન્યુઝિલેન્ડ આ ક્ષેત્રમાં સુધારો કરવા ઉપર પણ ધ્યાન આપશે. શ્રેણીનો ત્રીજો મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાનો છે. જે સાંજે સાત વાગ્યે શરૂ થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક